________________
૩૮
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૦
વિચાર કર્યો અને તાર કરી એમને પાછા સાયલામાં બોલાવ્યા અને રાજ્યમાં નોકરી આપી. તેઓ શિરસ્તેદાર બન્યા અને એમ કરતાં આગળ વઘતાં સાયલા રાજ્યના ન્યાયાધીશની પદવી સુધી પહોંચ્યા. આઝાદી પછી ગુજરાત સરકારમાં તેમની નોકરી ચાલુ રહી. તેઓ બોટાદ, મહુવા અને ભાવનગરમાં મામલતદાર તરીકે અને ભાવનગરમાં એસિસ્ટન્ટ કલેક્ટર તરીકે પોતાનું કાર્ય કરતા રહ્યા હતા. ૧૯૬૧માં તેઓ સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા હતા.
સરકારી અમલદારોને આમ જનતાના વિવિધ પ્રકારના કડવામીઠા અનુભવો થતા. બાપુજીને પણ ન્યાયાધીશ હતા ત્યારે અને એસિસ્ટન્ટ કલેક્ટર હતા ત્યારે લાંચ આપવા માટે પ્રયત્નો થયેલા. પરંતુ તેઓ એને વશ થતા નહિ એ આપનારને ધમકી આપતા કે ફરી વાર એવો પ્રયાસ કરશે તો પોતે એને જેલમાં બેસાડશે. ન્યાયાધીશ તરીકે એક ગુનેગારને ફાંસીની સજા આપવાની, બીજા બે ન્યાયાધીશો સાથે પોતાને સંમતિ આપવી પડેલી એનું એમને પારાવાર દુઃખ થયેલું.
ન્યાયપ્રિય નીતિવાન અમલદાર તરીકે બાપુજીની સુવાસ જ્યાં જ્યાં એમણે કામ કર્યું હતું ત્યાં ત્યાં પ્રસરી હતી. સાયલામાં પચીસેક વર્ષ કામ કરેલું એટલે સાયલાના રહેવાસીઓમાં તે સૌથી વધુ આદરપાત્ર હતા. વયને કારણે તથા આશ્રમની સ્થાપનાના પ્રેરક તરીકે એમનું માન ઉત્તરોત્તર વધતું જતું હતું. બાપુજી પણ પ્રત્યેક વ્યાવહારિક પ્રસંગે રાજ દરબારમાં, વૈષ્ણવ મંદિરમાં તથા અન્ય સ્થળે જઇ આવતા, પરિચિતોમાં માંદગી અંગે ખબર કાઢવા તેઓ અચૂક ગયા હોય અને યથાશક્તિ આર્થિક મદદ પણ કરી હોય. આથી સાયલાવાસીઓનો પણ બાપુજી પ્રત્યે પૂજ્યભાવ હંમેશાં નીતરતો રહેતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org