________________
૧૫૬
સાંપ્રત સહચિંતન ભાગ-૧૦
પણ મુલાકાત ગોઠવાઈ હતી.) આમ, કચ્છમાં માંડવી ખાતે યોજાયેલો જૈન સાહિત્ય સમારોહ, સર્વ સમારોહમાં સૌથી વધુ યાદગાર બની ગયો હતો. શ્રોતાઓની અને સાધુ સાધ્વીઓની સંખ્યા પણ ઘણી જ મોટી હતી. સમારોહમાં નિબંધો સારી સંખ્યામાં વંચાયા. ભોજન, ઉતારો વગેરેની વ્યવસ્થા પણ સુંદર હતી. કચ્છમાં ફરવામાં ગામેગામ વાજતેગાજતે મોટું સામૈયું થતું. સ્થાનિક આગેવાનો બધા હાજર રહેતા. સભાઓ થતી. પ્રાસંગિક વક્તવ્યો રજૂ થતાં. બધા કાર્યક્રમોમાં વસનજીભાઈની સૂઝ, કાર્યદક્ષતા, આયોજનશક્તિ અને દીર્ધદષ્ટિ તો રહેલાં હતાં જ, પણ એ બધાંથી વધુ તો એમની મહેંકતી સુવાસ હતી એમનું કામ કરવા સૌ તત્પર અને સૌ રાજી. સામાન્ય રીતે જૈન સાહિત્ય સમારોહમાં થતાં ખર્ચ કરતાં ઘણું વધારે ખર્ચ એમણે કર્યું, પણ પધારેલા મહેમાનો, સ્થાનિક સંઘો અને સાધુ-સાધ્વીઓ સૌને અત્યંત સંતોષ થયો.
વસનજીભાઈએ વ્યવસાયમાંથી નિવૃત્તિ લીધી હતી એટલે ઘણી સંસ્થાઓમાં તેઓ સમય આપી શકતા હતા. પ્રમુખ, મંત્રી, ખજાનચી, ટ્રસ્ટી કે કાર્યવાહક સમિતિના સભ્ય તરીકે સંખ્યાબંધ સંસ્થાઓમાં તેઓ સક્રિયપણે ભાગ લેતા હતા. એ સંસ્થાઓમાં જવાનું, એની કાર્યવાહીમાં રસપૂર્વક ભાગ લેવાનું, પ્રસંગે રકમ લખાવવાનું, કામ કરીને ઘસાઈ છૂટવાનું એમને ગમતું. ઉત્તરોત્તર અનુભવ વધતો જતાં ઝડપથી કામ કરવાની અને આગેવાની લેવાની સૂઝ પણ એમનામાં આવી હતી. પોતે મુખ્ય સત્તાધીશ હોય તો બીજાને ખૂંચે નહિ એવી રીતે કામ કરાવવાની દક્ષતા એમનામાં હતી. બધી વાતને આવરી લેતું પ્રાસંગિક વક્તવ્ય રજૂ કરવાની એમની શક્તિ ખીલી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org