________________
૭૦
સાંપ્રત સહચિંતન -- ભાગ ૯
પ્રભાવ પડ્યો હોવો જોઈએ. આથી જ એમણે ઘરે ન જતાં પોતાને દીક્ષા આપવા માટે શ્રી શુભવિજયજીને આગ્રહ કર્યો. શ્રી શુભવિજયજી ખંભાત જઈને એમને દીક્ષા આપવાનો વિચાર કરતા હતા. પણ એટલા દિવસની ધીરજ કેશવરામને રહી નહિ. એટલે શ્રી શુભવિજયજીએ માર્ગમાં પાનસરા નામના ગામે વિ. સં. ૧૮૪૮ના કારતક વદમાં કેશવરામને દીક્ષા અઢાર વર્ષની ઉંમરે આપી અને એમનું નામ શ્રી વીરવિજયજી રાખવામાં આવ્યું. શ્રી શુભવિજયજીને શ્રી ધીરવિજયજી અને શ્રી ભાણવિજયજી નામના બે શિષ્યો હતા અને એમાં આ વીરવિજયજીનો ઉમેરો થયો.
વિહાર કરતાં કરતાં શ્રી શુભવિજયજી ખંભાત પધાર્યા. ખંભાતના સંઘે સામે જઈને સામૈયું કર્યું. ખંભાત ત્યારે પણ વિદ્યાના ધામ તરીકે જાણીતી નગરી હતી અને ત્યાં સંસ્કૃત ભાષા તથા ષડ્રદર્શનના અભ્યાસ માટે પંડિતોની સુવિધા હતી. યુવાન શ્રી વીરવિજયજી તેજસ્વી હતા. એટલે એમનો વિદ્યાભ્યાસ સારી રીતે અખંડ ચાલી શકે એ હેતુથી શ્રી શુભવિજયજીએ ખંભાતમાં જુદા જુદા વિસ્તારના ઉપાશ્રયમાં લાગલગાટ પાંચ ચાતુર્માસ કર્યા હતાં.
દીક્ષા લીધા પછી શ્રી શુભવિજયજીએ પોતાના શિષ્ય શ્રી વીરવિજયને વિદ્યાભ્યાસ કરાવવામાં ઘણી સારી કાળજી રાખી હતી. એમણે પોતે અર્ધમાગધી અને જૈન શાસ્ત્રોના સિદ્ધાન્તોનો તથા જૈન તત્ત્વદર્શનનો સારો અભ્યાસ કરાવ્યો. તદુપરાંત શ્રી વીરવિજયજીને સંસ્કૃત ભાષામાં સારો અભ્યાસ કરાવવા માટે એમણે પંડિતોની વ્યવસ્થા કરાવી હતી. એ પંડિતોએ સંસ્કૃતના પાંચ પ્રસિદ્ધ મહાકાવ્યો – રઘુવંશ, કુમારસંભવ, નૈષધીયચરિત, કરાતાર્જુનીય અને શિશુપાલવધનો સારો અભ્યાસ કરાવ્યો તથા છએ દર્શનોનું પણ ઘણું ઊંડું અધ્યયન કરાવ્યું. શ્રી રંગવિજયજી મહારાજે પોતાના રાસમાં આ અભ્યાસનો નિર્દેશ નીચે પ્રમાણે કર્યો છે:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org