________________
સ્વ. ચીમનલાલ ચકુભાઇ શાહ-પત્રકાર તરીકે
૬૧
પુસ્તિકાએ ભારતના તે સમયના ઘણા કોંગ્રેસી નેતાઓનું ધ્યાન ખેંચ્યું હતું. તદુપરાંત એમણે Socialism in India નામની પુસ્તિકા લખી. એ વાંચીને જયપ્રકાશ નારાયણ આ પુસ્તિકાના લેખક તે કોણ છે એ જાણવા માટે શોધતા શોધતા મુંબઇમાં એમની ઓફિસે આવી પહોંચ્યા હતા. એ પુસ્તિકાની પ્રશંસા શ્રી જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ વગેરેએ પણ કરી. એથી ચીમનભાઇને પોતાની લેખનશક્તિમાં વિશ્વાસ આવ્યો હતો. પરંતુ ત્યારે તેઓ ફક્ત અંગ્રેજીમાં જ લખતા હતા.
વકીલાતના વ્યવસાયને નિમિત્તે ચીમનભાઇ મુંબઇમાં એ જ વ્યવસાયના એક અગ્રેસર તે શ્રી કનૈયાલાલ મુનશીના સંપર્કમાં આવ્યા. ચીમનભાઇને મુનશી પાસેથી ઘણી પ્રેરણા મળી. મુનશીએ પણ ચીમન– ભાઇની લેખક તરીકેની શક્તિ પારખી લીધી અને એમને ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી બનાવ્યા. ચીમનભાઇ બારેક વર્ષ મંત્રી તરીકે રહ્યા. સાહિત્ય પરિષદનાં અધિવેશનનું આયોજન તેઓ કરતા રહ્યા અને ગુજરાતીમાં લેખો પણ લખવા લાગ્યા. આ રીતે ગુજરાતી ભાષામાં એમનું લેખનકાર્ય ચાલુ થયું. એમની શૈલી ઉપર મહાત્મા ગાંધીજીની શૈલીનો ઘણો મોટો પ્રભાવ પડ્યો. સાદા, સરળ, ટૂંકાં વાક્યોમાં પોતાના વિચારોને સચોટ રીતે વ્યક્ત કરવાની એમની શક્તિ ખીલી, ચીમનભાઇની પત્રકાર તરીકેની શક્તિ આ અરસામાં વિકાસ પામી. વર્તમાન સમયની રાજદ્વારી કે સાહિત્યિક ઘટના વિશે પોતાના લેખો લખવા, નિવેદનો લખવાં કે પ્રતિભાવો આપવાના અવસર તેમને માટે વખતોવખત આવવા લાગ્યા.
સાહિત્ય કરતાં પણ રાજકીય અને સામાજિક વિષયોમાં એમને રસ વધુ હતો. એટલે વર્તમાન રાજકીય પ્રવાહો ઉપર તેઓ વખતોવખત વ્યાખ્યાનો આપતા અને દૈનિકોમાં લેખો પણ લખતા. આઝાદી પછી અંગ્રેજી કરતાં ગુજરાતી ભાષામાં તેમનું લેખન વધ્યું.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org