________________
ગાંડી ગાય
કૂતરું હડકાયું થયું હોય અથવા હાથી મદોન્મત્ત થયો હોય એ વાત જમાના જૂની છે. કૂતરાની જેમ બીજાં પ્રાણીઓને પણ હડકવા થાય છે અને હડકાયું કૂતરું કરડ્યું હોય એવા માણસને હડકવા જો ઊપડે તો તે બીજાને બચકાં ભરવા લાગે છે. વિવિધ રોગના જીવાણુ પ્રાણીસૃષ્ટિમાં પણ હોય છે અને એનો ઉપદ્રવ થાય છે. હાથીના ગંડસ્થળમાંથી મદ ઝરે અને હાથી ગાંડો બની તોફાને ચડે એવા બનાવો પણ બને છે.
છેલ્લા બેએક સૈકાથી વૈજ્ઞાનિકો પ્રાણીસૃષ્ટિ ઉપર જાતજાતના પ્રયોગો કરતા રહ્યા છે. એ સંશોધનોથી જેમ માનવજાતને મહત્ત્વનો લાભ થયો છે તેમ એનાં માઠાં પરિણામ પ્રાણીઓએ અને માણસોએ ભોગવવાનાં આવ્યાં છે.
જેમ દેડકાં, વાંદરાં, સસલાં વગેરે પર ઔષધાદિ માટે પ્રયોગો થયા છે, તેમ છેલ્લાં પચાસેક વર્ષમાં દૂધ અને માંસ માટે ગાય ઉપર પશ્ચિમના દેશોમાં વિવિધ પ્રકારના પ્રયોગો થયા છે. એમાં વર્તમાન સમયનો ભયંકર નુકસાનકારક પ્રયોગ બ્રિટનમાં થયો હતો. બ્રિટનની ગાંડી ગાય (Mad Cow)ની સમસ્યાએ બ્રિટનને તથા યુરોપના દેશોને હચમચાવી નાખ્યા હતા.
ગાયના આ મગજના રોગની શોધ તો ૧૯૮૫ ની આસપાસ થઈ. યુરોપના બીજા દેશો કરતાં સૌથી વધારે રોગ ફેલાયો બ્રિટનમાં. દર વર્ષે હજારો ગાયો મૃત્યુ પામવા લાગી. એક દાયકામાં દોઢથી બે લાખ જેટલી ગાયો આ રોગને કારણે મૃત્યુ પામી હતી. મગજનો રોગ થતાં અદોદળા શરીરવાળી ગાયોને જોતાં તે મંદબુદ્ધિવાળી લાગે. એવી ગાયોનો દેખાવ જ કુદરતી ન લાગે. ગાયો પરના વૈજ્ઞાનિક પ્રયોગોનું એ દયાજનક પરિણામ આવ્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org