________________
૩૦
સાંપ્રત સહચિંતન -- ભાગ ૯ આ ગુફાઓની દીવાલોમાં ક્યાંક શિલાલેખો કોતરેલા જોવા મળે છે. કેટલાક જર્જરિત થઈ ગયા છે. શ્રી આદિનાથ ગુફામાં તે સંસ્કૃત ભાષામાં છે અને કંઈક વંચાય એવો છે. એક સ્થળે રત્નકીર્તિ, અમરકીર્તિ વગેરે નામ વંચાય છે. તે ભટ્ટારકોનાં નામ હોવાનો સંભવ છે. પ્રતિષ્ઠા કરાવનાર તરીકે વીરમસેન, કનકસેન વગેરે રાજાઓનાં નામ વંચાય છે. રાઠોડ વંશના તે રાજાઓની ગાદી અહીં પાસે આવેલા મુલ્હર નગરમાં હતી. કોઈ મોટા શુભ પ્રસંગે કે યુદ્ધના પ્રસંગે તેઓ પહેલાં મલ્હેરના પર્વત પર આવેલાં શ્રી ચક્રેશ્વરી દેવીની મૂર્તિની પૂજા, આરાધના કરતા. આ ગુફા મંદિરોના નિર્માણ અને જાળવણીમાં તેઓએ પણ મહત્ત્વનું કાર્ય કર્યું હશે એમ જણાય છે. મુલ્હેરમાં રાઠોડવંશી રાજાઓની ગાદી ઘણા સૈકા સુધી ચાલી હતી. એ સૈકાઓ દરમિયાન માંગતુંગીનું ક્ષેત્ર મુલ્હેર રાજ્યમાં ગણાતું. ઘણાં વર્ષો સુધી માંગતુંગી જવા માટે મુઘેર જ મુખ્ય કેન્દ્ર રહ્યું હતું. મુલ્હેર એ કિલ્લામાં વસેલું નગર હતું. તેવી જ રીતે પાસે કંચનપુર નામનું નગર પણ પર્વત પર કિલ્લામાં વસેલું હતું. હાલ તેના ભગ્નાવશેષો જોવા મળે છે.
માંગીગિરિનાં આ ગુફામંદિરોનાં દર્શન કરતા અમે આગળ વધ્યા. ચૂલિકાની એક બાજુ ગુફામંદિરો છે. બીજી બાજુ નથી. પરંતુ એની પરિક્રમા કરવા માટે પથ્થરમાં કેડી કંડારેલી છે. માંગીગિરિની આ પરિક્રમા આશરે ૧૪૦૦ ફૂટ લાંબી છે.
માંગીગિરિના ગુફામંદિરોનાં દર્શન કરી અમે નીચે આવ્યા. હવે અમે તુંગીગિરિ તરફ ચાલ્યા. લગભર એક કિલોમિટર જેટલું એ અંતર છે. વચ્ચે બે દેરી આવે છે. તે શ્વેત આરસની બનાવેલી આધુનિક સમયની છે. એમાં પગલાં છે. * એનાં દર્શન કરી અને તુંગીગિરિ તરફ આગળ વધ્યા. તુંગીગિરિનું ચઢાણ ઊંચું અને સીધું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org