________________
ફાધર બાલાગેર
૧૨૩
કોઇ ફાધરના હાથ નીચે અધ્યાપક તરીકે કામ કરવામાં કોઇ શરમસંકોચ નડે નહિ.
ફાધર બાલાગેરનું વ્યક્તિત્વ જ એવું વાત્સલ્યભર્યું હતું કે સૌ એમના તરફ ખેંચાય. ઝેવિયર્સ કોલેજના અગાઉના પ્રિન્સિપાલ ફાધરો એકંદરે સ્ટાફ અને વિદ્યાર્થીઓમાં બહુ ભળતા નહિ. તેઓ કૉલેજમાં પિરિયડ લીધા પછી પોતાના અલગ આવાસમાં જ ઘણુંખરું ચાલ્યા જતા. ફાધર બાલાગેર બધા વિદ્યાર્થીઓ સાથે અને સ્ટાફના સભ્યો સાથે ભળી જતા. પોતે મોટા છે અથવા પોતાનો સમય બહુ કિંમતી છે એવું ક્યારેય લાગવા ન દે. મળે તો રસ્તામાં ઊભા રહીને આપણી સાથે નિરાંતે વાત કરે.
સામાન્ય રીતે કોલેજના બીજા ફાધરો કરતાં ફાધર બાલાગેર લોકસંપર્ક વધુ રાખતા હતા. બહારના સામાજિક કાર્યક્રમોમાં જતા. અધ્યાપકો કે વિદ્યાર્થીઓના લગ્નપ્રસંગે પણ હાજરી આપતા . ઝેવિયર્સ કોલેજમાં ૧૯૫૧માં હું જોડાયો અને ૧૯૫૩માં મારાં લગ્ન હતાં. મેં ફાધરને નિમંત્રણ આપ્યું .ફાધર અમારા લગ્નપ્રસંગે પધાર્યાં હતા અને દોઢેક કલાક બેસી આવેલા બધા વિદ્યાર્થીઓ અને અધ્યાપકો સાથે પણ હળ્યામળ્યા હતા. કૉલેજમાંથી ભણી ગયેલા કોઇ ગુજરાતી વિદ્યાર્થીના લગ્નની કંકોતરી મળી હોય તો ફાધર મને કોઇક વખત સાથે આવવા માટે પણ કહેતા, કારણ કે એ વિદ્યાર્થી સિવાય અન્ય કોઇને ફાધર ઓળખતા ન હોય.
ફાધર બાલાગેર સ્વતંત્રતા પૂર્વે બ્રિટિશ રાજ્યના શાસનકાળ દરમિયાન ભારત આળ્યા હતા. તેઓ સ્પેનના વતની હતા. તેઓ ગોરા હતા. જૂના વખતમાં યુરોપથી આવેલા ગોરા પાદરીઓ અને ભારતના બિનગોરા પાદરીઓ વચ્ચે ક્યાંક ક્યાંક અંતર રહેતું. કેટલાક ગોરા પાદરીઓમાં ગુરુતાગ્રંથિ રહેતી. તેઓ ભારતીય પાદરીઓ સાથે બહુ ભળતા નહિ, અતડા રહેતા. ફાધર બાલાગેરના મનમાં કે વર્તનમાં
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org