________________
૮૬
વીરપ્રભુનાં વચનો – ભાગ ૧ બાજુ રહેઠાણો શૌચાદિની સગવડવાળાં બનતાં રહ્યાં છે. જૂની પરંપરા પ્રમાણે લોકો ઘરમાં આહાર લે અને શૌચાદિ માટે ઘરની બહાર દૂર દૂર સુધી જાય. (‘જંગલે જવું' જેવો રૂઢપ્રયોગ એ દર્શાવે છે.) નવી પરંપરા પ્રમાણે લોકો ખાવા માટે બહાર દૂર દૂર સુધી જાય છે અને શૌચાદિ ઘરમાં કરે. આહાર-વિહારની બાબતમાં સાંસ્કૃતિક દૃષ્ટિએ આ એક મોટો વિપર્યાસ છે. આહાર-નિહારની એટલી બધી સગવડો થઈ ગઈ છે કે માણસ દિવસોના દિવસો સુધી ઘરે ન આવે અથવા ઘરની બહાર ન જાય તો પણ એ સુખેથી જીવી શકે.
જેટલી જેટલી ખાદ્ય અને પેય વાનગીઓ છે તે બધી જ દરેક વ્યક્તિને ભાવે એવું નથી. કેટલાય લોકોને બોલતા સાંભળીએ છીએ કે અમુક વાનગી પોતાને બહુ ભાવે છે અથવા અમુક વાનગી પોતાને બિલકુલ ભાવતી નથી. કોઈ જમણવારમાં પીરસનારા જો બરાબર અવલોકન કરે તો કઈ વ્યક્તિ કઈ વાનગી વધારે ઝાપટે છે અને કઈ વ્યક્તિ કઈ વાનગીને બિલકુલ અડતી નથી તે તેને તરત જણાઈ આવે. આરોગ્યના નિયમોને કારણે કે ત્યાગ-તપશ્ચર્યાના નિયમને કારણે કોઈક વ્યક્તિ કોઈ વાનગી ન ખાય તે જુદી વાત છે. પરંતુ પોતાને બધા પ્રકારની વાનગી ભાવે એવી વ્યક્તિ ઓછી હોય છે. તેમાં પણ મસાલાનું વત્તાઓછાપણું હોય તો પણ બધી વાનગી પોતાને ભાવે એવી વ્યક્તિઓ તો એથી પણ ઓછી હોય છે.
જેની સ્વાદેન્દ્રિય વધુ ઉત્તેજિત રહેતી હોય, ખાવાપીવાના જેને બહુ ચટકા હોય અને ખાવાપીવાની બાબતમાં બહુ ચીકણા અને વાંધા-વચકાવાળા માણસો હોય તેઓને અજાણી જગ્યાએ ઘણી તકલીફ પડે છે. દેશ-વિદેશમાં પોતાની પ્રિય વાનગીઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org