________________
૮૪
વિરપ્રભુનાં વચનો – ભાગ ૧ પોતાને યોગ્ય આહાર ન મળે એવી દુકાળ જેવી વિકટ પરિસ્થિતિમાં પ્રાણી પણ અપથ્ય આહાર ગ્રહણ કરે એવું કેટલીક વાર બને છે ખરું, પરંતુ એકંદરે તો પશુ-પક્ષીઓ કુદરતી સંજ્ઞાને કારણે પોતાની આહારમર્યાદાને જાણે છે અને તેને અનુસરે છે. મનુષ્યના આહારનું ક્ષેત્ર અત્યંત વિશાળ છે, વિરાટ છે. પશુપક્ષીઓ તથા જીવજંતુઓનું આહારનું ક્ષેત્ર બહુ મર્યાદિત છે. મનુષ્યનું આહારક્ષેત્ર એટલે તમામ પ્રકારની વનસ્પતિ અને તમામ પ્રકારનાં પશુ-પક્ષીઓ. ઉંદર, દેડકાં, સાપ અને ઢેડગરોળી ખાનારા માણસો પણ દુનિયામાં છે. મરેલાં પ્રાણીઓની ચરબી ખાનારા અને ગાયભેંસનું તાજું દૂધ નહિ પણ તાજું લોહી પીનારા આદિવાસીઓ પણ છે. મનુષ્યના આહારને કોઈ સીમા નથી. દુનિયામાં સમયે સમયે નવી નવી ખાદ્ય વાનગીઓ શોધાતી આવે છે. હેમચન્દ્રાચાર્ય, યશોવિજયજી, આનંદઘનજી, પ્રેમાનંદ કે શામળના સમયમાં ચા-કૉફી નહોતાં. વીરવિજયજી, બુટેરાયજી, આત્મારામજી, નર્મદ કે દલપતરામના સમયમાં કોકાકોલા જેવાં પીણાં નહોતાં. છેલ્લા ચાર-પાંચ દાયકામાં તો ખાદ્ય વાનગીઓના ક્ષેત્રે દુનિયાએ મોટી હરણફાળ ભરી છે. રેફ્રિજરેટર, મિક્ષર, અવન, માઇક્રોવેવ અને એવાં બધાં ઈલેક્ટ્રિક સ્વયંસંચાલિત સાધનોના પ્રચાર પછી જુદા જુદા ખાદ્ય પદાર્થોના સંમિશ્રણ અને તેના વધતા-ઓછા પ્રમાણ અનુસાર અનેક જાતની વાનગીઓ બજારમાં આવી છે. અમેરિકામાં યોગર્ટ (દહીં), આઇસક્રીમ, બિસ્કિટ વગેરે પચાસથી અધિક જાતનાં મળે છે. તે દરેકના સ્વાદ પણ જુદા જુદા. પચાસ કે સો વર્ષ પછી કેવી કેવી નવી વાનગીઓ આવશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org