________________
૭૮
વીરપ્રભુનાં વચનો – ભાગ ૧ હાસ્યથી સંયમજીવનને કેટલું નુકસાન થાય છે તેનો એક પ્રસંગ શાસ્ત્રગ્રંથોમાં આવે છે. પ્રાચીન સમયમાં એક મુનિ મહારાજ ઇરિયાવહીનો કાઉસગ્ન કરી રહ્યા હતા. તે સમયે તેઓ ભાવવિશુદ્ધિની એવી ઉચ્ચધારાએ ચડી ગયા કે તેમને અવધિજ્ઞાન પ્રગટ થયું. અવધિજ્ઞાનથી તેમને સૌધર્મ દેવલોક દેખાયો. એમાં એમને દેખાયું કે ઇન્દ્ર પોતાની ઇન્દ્રાણીને મનાવવા ઘણા કાલાવાલા કરી રહ્યા હતા. ઇન્દ્ર જેવા ઈન્દ્રને આવું કરતા જોઈને મુનિમહારાજથી ખડખડાટ હસી પડાયું. પરંતુ આવા હાસ્યથી એમનું અવધિજ્ઞાન ચાલ્યું ગયું. એમણે ફરીથી સૌધર્મ દેવલોક જોવા પ્રયાસ કર્યો પણ તે દેખાયો નહિ. પોતાના હાસ્યને માટે એમને પસ્તાવો થયો. હાસ્યથી કેવું નુકસાન થાય છે !
જે પ્રસંગે પૂરું ગાંભીર્ય જાળવવાની અપેક્ષા હોય ત્યાં તો હસવાની વાત ન જ કરી શકાય. કેટલાક લોકોમાં એ જાતનો વિવેક હોતો નથી. હાસ્યની વૃત્તિ એવી છે કે તે માણસ પાસે વિવેક ચૂકવાવી દે છે. શોકના કે દુઃખના પ્રસંગો હોય ત્યાં માણસે ન હસવું જોઈએ. કેટલાકની હાસ્યવૃત્તિ એટલી પ્રબળ હોય છે કે ગંભીર પ્રસંગે તે હસ્યા વગર રહી શકતા નથી. એક અંગ્રેજ નેતા માટે ચર્ચિલે કહ્યું હતું કે 'He runs the risk of being most humourous when he wishes to be most serious.'
હાસ્યના પ્રકારોમાં સામાન્ય સ્મિતથી ખડખડાટ હાસ્ય સુધીની ઘણી જુદી જુદી કક્ષાઓ હોય છે. એના છ પ્રકાર આ રીતે ગણાવાય છે : (૧) સ્મિત, (૨) હસિત, (૩) વિકસિત, (૪) ઉપહસિત, (૫) અપહસિત અને (૬) અતિહસિત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org