________________
अट्ठजुत्ताणि सिक्खिया, निरट्ठाणि उ बज्जिए
૫૭
કુદરતનો ક્રમ એવો છે કે જૂની પેઢીના માણસો કાળક્રમે વિદાય લેતા જાય છે અને નવી પેઢીના યુવાનોના હાથમાં સમાજનાં સૂત્રો આવે છે. કોઈ પણ એક વ્યક્તિએ પોતાના સમકાલીનો વચ્ચે જે મોટું કાર્ય કર્યું હોય તેની કદર કરનારા ત્યારે હયાત હોય છે ને ઠેર ઠેર એની વાતો થાય છે, પરંતુ થોડાક સમકાલીનો વિદાય થઈ જાય છે, પછી એવી વાતો સાંભળનાર કે પ્રશંસા કરનાર વર્ગ રહેતો નથી અને નવી પેઢીને જૂની પેઢીનાં એ પરાક્રમો કે સિદ્ધિ તુચ્છ અને નિરર્થક લાગે છે. ક્યારેક તો કોઈક બોલે છે, ‘નાખી દેવા જેવી વાત માટે એ જમાનાના લોકોએ પોતાની જિંદગીનો કેટલો બધો સમય વેડફી નાંખ્યો.'
જે કોઈ એક વાત કે વિષય એક જમાના માટે અત્યંત મૂલ્યવાન હોય તે બીજા જમાના માટે સાવ નિરર્થક બને એવી જિવાતા જીવનની લાક્ષણિક્તા છે.
કઈ વસ્તુ પોતાને માટે સાર્થક છે અને કઈ નિરર્થક છે એનો નિર્ણય કરવા માટે દરેક વ્યક્તિનો માપદંડ જુદો જુદો હોઈ શકે. એક વ્યક્તિને જે વાત, કાર્ય ઇત્યાદિ સાર્થક લાગતાં હોય તે બીજાને નિરર્થક લાગે, એકની એક વ્યક્તિને એક વસ્તુ એક કાળે સાર્થક લાગતી હોય તે સમય જતાં નિરર્થક લાગવાનો સંભવ છે.
મનુષ્યના જીવનમાં કંઈ ભૂલ ન થઈ હોય તો પણ વીતી ગયેલાં વર્ષોનું વિહંગાવલોકન કરતાં અને જરૂર એમ લાગે છે કે અમુક કાર્યોમાં પોતાનો જે સમય પસાર થઈ ગયો તે કાર્યો ન કર્યાં. હોત તો ચાલત; એટલો સમય જો વધુ સારી પ્રવૃત્તિમાં પસાર થયો હોત તો જીવનમાં વધુ પ્રગતિ થઈ શકી હોત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org