________________
‘આચારાંગ’ વિશે અભિનવ પ્રકાશન
પરમ પૂજ્ય જ્યોતિષાચાર્ય શ્રી જયપ્રભવિજયજી (‘શ્રમણ’) મહારાજ સાહેબે શ્રી આચારાંગ સૂત્ર (આયારંગસુત્ત) ઉપર શ્રી શીલાંકાચાર્યે સંસ્કૃત ભાષામાં ૧૨,૦૦૦ શ્લોક પ્રમાણે રચેલી વૃત્તિનો હિંદી ભાષામાં અનુવાદ કરીને પ્રકાશિત કર્યો છે તેને આવકારતાં હું અત્યંત આનંદ અનુભવું છું. મહારાજશ્રીએ પોતાના દાદા ગુરુ, અભિધાન રાજેન્દ્ર કોષના નિર્માતા, પ્રકાંડ પંડિત, સમર્થ ક્રિયોદ્ધારક શ્રીમદ્ વિજય રાજેન્દ્રસૂરીશ્વરજીનું નામ આ હિંદી ટીકા સાથે જોડીને એને ‘રાજેન્દ્ર સુબોધની આહોરી હિંદી ટીકા' એવું નામ આપ્યું છે તે પોતાના દાદા ગુરુ પ્રત્યેના એમના ભક્તિભાવનું ઘોતક છે. આ રીતે આપણને હિંદી ભાષામાં ‘આચારાંગસૂત્ર' વિશે એક અભિનવ પ્રકાશન પ્રાપ્ત થાય છે. આચારાંગ સૂત્ર વિશે હિંદી ભાષામાં અનુવાદ અને વિવેચનરૂપે કેટલુંક સાહિત્ય પ્રકાશિત થયેલું છે, પરંતુ શ્રી શીલાંકાચાર્યની ટીકાનો હિંદીમાં અનુવાદ આ પહેલી વાર પ્રકાશિત થાય છે. એથી આ વિષયના રસિક જિજ્ઞાસુઓને, વિદ્વાનોને અને આત્માર્થી જીવોને સવિશેષ લાભ થશે. શ્રુતસેવાનું આ એક અનોખું કાર્ય છે.
‘આચારાંગસૂત્ર’ વિશે સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી, હિંદી, ઇંગ્લિશ, જર્મન વગેરે ઘણી ભાષાઓમાં ઘણું સાહિત્ય પ્રકાશિત થયેલું છે. પ્રાચીન કાળમાં ‘આચારાંગસૂત્ર’ (આયારંગ સુત્ત) વિશે તથા અન્ય આગમો વિશે નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા-વૃત્તિ ઇત્યાદિ પ્રકારનું ઘણું સાહિત્ય રચાયેલું છે અને તે પ્રકાશિત થયેલું છે. એમાં શ્રી ભદ્રબાહુ સ્વામીએ રચેલી આચારાંગનિર્યુક્તિ પ્રથમ સ્થાન પામે છે. પ્રાકૃત ભાષામાં પદ્યમાં લખાયેલી આ સધન કૃતિ ઉપ૨થી સંસ્કૃત કે પ્રાકૃતમાં સવિસ્તર કૃતિઓની રચના અર્થપ્રકાશ માટે થયેલી છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org