________________
૧૧૮
પાસપોર્ટની પાંખે - ભાગ ૩ ઉપર નૉર્થ કેપનો ટપાલનો સિક્કો મારી આપવામાં આવે છે. પછી અમે એક વિશાળ સુશોભિત ભોંયરા (Tunnel) વાટે નીચે ચોગાનમાં ગયા. આ ભોંયરામાં થાઇલેન્ડના મહારાજાએ ૧૯૦૬માં નૉર્થ કેપની મુલાકાત લીધેલી એની યાદગીરીરૂપે આપેલી કીમતી ભેટવસ્તુઓ એક શો-કેસમાં રાખવામાં આવી છે.
અમે ચોગાનમાં પહોંચ્યા. ત્યાં ઘણા બધા પ્રવાસીઓ હતા. આ ચોગાનમાં કઠેડા પાસે ઊભા રહી નીચે સમુદ્રનું દર્શન કરી શકાય છે. હજાર ફૂટ ઊંચા આ ખડકની આકૃતિ અત્યંત વિલક્ષણ છે. એની ઊંચાઈ ઢાળવાળી નથી પણ સીધી લટકતી દોરી જેવી છે. સમુદ્રમાં થોડે દૂરથી જોઈએ તો સીધો, ઊંચો, જાડો અને ભૂખરા રંગનો ખડક, જાણે ઐરાવત હાથીએ પાણીમાં પગ મૂક્યો હોય એવો લાગે. એટલે જ દરિયાખેડુઓ માટે એ મશહૂર નિશાની બનેલો છે, જાણે તે ભોમિયાની ગરજ સારે છે. ચોગાનના એક છેડે ઓળખ-નિશાની તરીકે ધાતુની પાઇપનો વિશાળ ગોળો બનાવીને ગોઠવવામાં આવ્યો છે, જેથી નોર્થ કેપને તરત ઓળખી શકાય. ઘણા સહેલાણીઓ ત્યાં ઊભા રહી ફોટા પડાવે છે. નોર્થ કેપ ગયાની એ સાબિતીરૂપ યાદગીરી છે.
આ ખડક પરથી પગથિયાં ઊતરી નીચે સમુદ્રની સપાટી સુધી જઈ શકાય છે. જૂના વખતમાં આ ખડક પાસે સ્ટીમર આવીને ઊભી રહેતી ત્યારે ઉપર જવા માટે પગથિયાં કરવામાં આવ્યાં હતાં. હજાર પગથિયાંનું ચઢાણ બહુ કપરું હતું, પરંતુ ઉપર પહોંચ્યા પછી જે દશ્ય જોવા મળતું એથી પરિશ્રમ વસૂલ લાગતો. અમારી ગાઇડ યુવતીએ કહ્યું કે જૂના વખતમાં એક સ્થાનિક માણસ અહીં નીચે લાકડીઓ લઈને આવતો અને પ્રવાસીઓને લાકડી વેચતો. ઊતર્યા પછી ઘણા પ્રવાસીઓ લાકડી પાછી મૂકીને જતા. આમ લાકડીના વેપારમાં જ એ માણસ ધનવાન બની ગયો. લાકડીએ એના ભાગ્યને પલટાવી નાખ્યું હતું. ભાગ્ય હોય તો કેવાં કામ સૂઝી આવે છે !
મધ્યરાત્રિ ચાલુ થઈ ગઈ હતી. વાતાવરણમાં અજવાળું હતું, પણ સૂર્યપ્રકાશ નિહાળવા મળતો નહોતો. એમ કહેવાયું કે સમગ્ર ઋતુ દરમિયાન નિરભ્ર ખુલ્લો સૂર્ય કદાચ કોઈને જોવા મળે તો મળે. પણ નાની નાની વાદળીઓ પાછળ રહેલો સૂર્ય જોવા મળે તો પણ મોટું ભાગ્ય ગણાય. અહીં વાદળાંઓનો ધસારો નિરંતર રહે છે. અમે રાહ જોતા હતા એટલામાં તો જોરદાર વરસાદ ઝાપટ્યો. બધા દોડીને હોલમાં પહોંચી ગયા.
અમારી પાસે સમય હતો એટલે અમારા કાર્યક્રમ મુજબ અમે 'નોર્થ કેપ' વિશેનું ચલચિત્ર જોવા થિયેટરમાં બેઠા. આ એક અદ્ભુત અનુભવ છે. આપણે જાણે હેલિકૉપ્ટરમાં બેઠા હોઈએ એવું લાગે. સાહસી દૃશ્યો આવે તો સાક્ષાત્ અનુભવતા હોઈએ એવું લાગે અને છાતીમાં ગભરાટ પણ થાય. જાતે ન જઈ શકીએ અને ન જોઈ શકીએ એવાં એવાં દૃશ્યો જોઈને આશ્ચર્યમુગ્ધ થઈ જવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org