________________
સહરાના રણમાં
દુનિયાનું મોટામાં મોટું રણ તે સહરા. એ રણમાંથી ઉનાળાની ભરબપોરે પસાર થવું એ જેવીતેવી વાત નથી, પરંતુ મે મહિનાની અસહ્ય ગરમીમાં અમે સહરાનું રણ કેવી રીતે ઓળંગ્યું હશે ?
ઈજિપ્તનું પાટનગર કેરો છે. ત્યાંના લોકો પોતાના આ શહેરને કહારા' (કાહિરા) કહે છે. બ્રિટિશ હકૂમત દરમિયાન કહારાનું કેરો' થઈ ગયું હતું, જે આજ દિવસ સુધી ચાલુ છે. અમે કેરોથી એલેકઝાન્ડ્રિયા જવાના હતા. ભૂમધ્ય સમુદ્રના કિનારે આવેલું ઇજિપ્તનું એ સુંદર મજાનું પ્રાચીન બંદર છે.
અમારો કાર્યક્રમ કેરોથી સવારે નીકળી એલેકઝાન્ડ્રિયા જોઈને પાછા ફરવાનો હતો. અમે પચીસેક પ્રવાસીઓ હતા. અમારા માટે આરામદાયક બસની વ્યવસ્થા કરવામાં આવી હતી. અમને કહેવામાં આવ્યું હતું કે એલેકઝાન્ડ્રિયા પહોંચતાં ચારેક કલાક થશે. માટે રાત્રે વેળાસર જો પાછાં આવી જવું હોય તો સવારે સાત વાગે અમારે નીકળી જવું જોઈએ.
અમે બધા પ્રવાસીઓ સવારે વહેલા ઊઠી, તૈયાર થઈ હોટેલ 'ફલામેન્કોમાંથી નીકળીને બસમાં ગોઠવાયા. ડ્રાઈવર અને ગાઈડ યુવતી અમારી રાહ જોતાં બસમાં બેઠાં હતાં. બધાં આવી જતાં બસ ઊપડી. અમારી ગાઈડે કહ્યું, “આજની એલેકઝાન્ડ્રિયાની ટૂરમાં હું તમારી ગાઈડ છું. મારું નામ નિવિના છે. એનો અર્થ ક્રિસ્ટમસ' થાય છે, પરંતુ હું ક્રિશ્ચિયન નથી, હું મુસ્લિમ છું. આપણા ડ્રાઈવરનું નામ હુસેન છે. તે બહુ હોશિયાર અને અનુભવી છે. એલેકઝાન્ડ્રિયા સુધીનું અંતર ૨૨૦ કિલોમીટર જેટલું છે. સહરાના રણમાં કરવામાં આવેલા નવા રસ્તે આપણે જઈશું. જૂનો રસ્તો નાઈલ નદીની પાસેના ખેતીવાડીના વિસ્તારોમાં આવેલાં નાનાં નાનાં ગામડાંમાંથી પસાર થાય છે. તે ઘણો લાંબો છે. તેમાં સમય પણ ઘણો લાગે છે. કેટલાક સમયથી, વર્લ્ડ બૅન્કની સહાયથી, રણમાં આ નવો સળંગ, સીધો રસ્તો કરવામાં આવ્યો છે. વાહનો માટે આવવા-જવાના માર્ગ બાજુ બાજુમાં પણ જુદા જુદા છે. એલેકઝાન્ડ્રિયા પહોંચતાં ચારેક કલાક આપણને થઈ જશે. બસની સફર લાંબી છે. એટલે તમારામાંથી જેને વચ્ચે થોડીક ઊંઘ ખેંચી લેવી હોય તેને તે ખેંચી લેવા માટે અનુકૂળતા રહેશે.'
ત્યાં તો ગાઇડને અટકાવીને અમારામાંથી કેટલાક અત્યુત્સાહી પ્રવાસીઓ તરત વચ્ચે બોલી ઊઠ્યા, ના, ના. અમે ઊંઘવા નથી આવ્યા. અમે તો બધું જોવા અને સમજવા આવ્યા છીએ. અમે તો આ પ્રવાસની બહુ ઉત્સુકતાથી રાહ જોતા હતા.'
૪૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org