________________
૭૪
પાસપોર્ટની પાંખે એ યુક્તિ જાણીતી છે. ભોળા લોકો તેમાં છેતરાય છે.
બોસ્ટનમાં હું મારા એક વિદ્યાર્થિની જ્યોતિબહેન દોશીને ત્યાં ઊતર્યો હતો. તેઓ બોસ્ટનમાં કેટલાક સ્ટોરમાં મને લઈ ગયાં. એક સ્ટોરમાં અમે દાખલ થયાં. ત્યાં “સેલ' હતું. જુદી જુદી વસ્તુઓના ઘટાડેલા ભાવ લખ્યા હતા. કેટલાક માણસો વસ્તુઓની પસંદગી કરતાં હતાં. સામાન્ય રીતે અમેરિકાના સ્ટોરમાં સ્વચ્છતા ઘણી હોય છે, પરંતુ એ સ્ટોરમાં જમીન ઉપર બ્રાઉન પેપરના ઘણા ટુકડા આમતેમ વેરાયેલા પડ્યા હતા. મેં જ્યોતિબહેનને ફરિયાદ કરતાં કહ્યું, “તમારા અમેરિકામાં પણ અણઘડ ઘરાકો હોય છે ખરા. વસ્તુ ખરીદીને તેના પૅકિંગના કાગળો ફાવે તેમ ફેંકીને લોકો જાય એવો દાખલો અહીં જોવા મળે છે.” જ્યોતિબહેન જરાક હસ્યાં, પણ કશું બોલ્યાં નહિ. સ્ટોરમાંથી બહાર નીકળીને એમણે મને કહ્યું, “આ સ્ટોરમાં પૅકિંગનાં જે બધાં કાગળિયાં પડેલાં છે તે ઘરાકોએ ફેકેલાં નથી. સ્ટોરવાળાએ પોતે જ એ બધાં એવી રીતે વેરેલાં છે કે આવનાર ઘરાકને એમ લાગે કે ઘણા લોકો આ સ્ટોરમાંથી ખરીદી કરીને ગયા છે.”
જયોતિબહેનની વાત સાંભળી આશ્ચર્ય થયું. વેચાણ વધારવા માટે દુનિયામાં તરકીબોનો ક્યાં તોટો છે ?
બીજે દિવસે અમે બીજા એક વિશાળ સ્ટોરમાં ગયાં. એક મોટા મકાનના ભોંયરામાં એ સ્ટોર હતો. સેલ માટે બોસ્ટનમાં તે ખૂબ જાણીતો છે. તેનું નામ છે “બારગેઇન બેઇઝમેન્ટ'. મુખ્યત્વે સ્ત્રી-પુરુષોનાં જાતજાતનાં કપડાં ત્યાં વેચાય છે. ઉપરાંત બીજી કેટલીક વસ્તુઓ પણ વેચાય છે. અમે સ્ટોરમાં દાખલ થયાં ત્યારે માણસોની પુષ્કળ ભીડ હતી. જ્યોતિબહેન કહે કે આ સ્ટોરમાં કાયમ આટલી ભીડ હોય છે. સામાન્ય રીતે બીજા સ્ટોરમાં સાંજે ભીડ થાય, પણ અહીં સવારે સ્ટોર ઊઘડે ત્યારે વધારે ભીડ થાય છે. તેનું કારણ આ સ્ટોરની વેચાણની પદ્ધતિ છે. એની જે લાક્ષણિકતા છે તે દુનિયામાં ભાગ્યે જ બીજે ક્યાંક હશે. દરેક વસ્તુના લેબલ ઉપર ભાવ લખેલા હોય અને જે દિવસે એ નંગ સ્ટોરમાં મૂકવામાં આવ્યું હોય તેની તારીખ પણ લખેલી હોય છે. પહેલા અઠવાડિયામાં છાપેલા ભાવ પ્રમાણે વસ્તુ વેચાતી મળે. એ વસ્તુ ન વેચાઈ હોય તો બીજા અઠવાડિયે તે પચ્ચીસ ટકા ડિસ્કાઉન્ટથી મળે. ત્રીજા અઠવાડિયે પચાસ ટકા ડિસ્કાઉન્ટથી મળે અને ચોથા અઠવાડિયા દરમિયાન તે પંચોતેર ટકા ડિસ્કાઉન્ટથી મળે. ચોથા અઠવાડિયાના અંતે એટલે કે મહિના પછી જો તે વસ્તુ વેચાયા વગર રહી હોય તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org