________________
૪૪
પાસપૉર્ટની પાંખે
મનાઈ છે, (૪) મોટેથી વાતો કરવાની મનાઈ છે, (૫) એકબીજાંને ઇશારો કરવાની મનાઈ છે, (૬) જૂથમાંથી છૂટા પડી એકલાં દૂર જવાની મનાઈ છે, (૭) ફરજ પરના કોઈ સૈનિક સામે તાકી રહેવાની મનાઈ છે.
જાતજાતની મનાઈની સૂચનાઓ સાંભળતાં જ કેટલાકના ચહેરા ગંભીર બની ગયા. પોતાને વાંકે બધાંની ટૂર ન બગડે તેને માટે સહુ સાવચેત થઈ ગયાં.
સોલથી લગભગ સાઠ કિલોમીટર દૂર પાનમુનજોમ આવ્યું છે. અમારી બસ એ દિશામાં ચાલી. સોલની સરહદમાંથી બહાર નીકળી અમે દક્ષિણ કોરિયાના લશ્કરી વિસ્તારમાં દાખલ થયાં. અમારા પાસપૉર્ટ તપાસાયા. આગળ જતાં રસ્તામાં ફિલિપાઇન્સના સૈનિકોનું સ્મારક આવ્યું. કોરિયાના યુદ્ધમાં જે જુદા જુદા દેશોએ ભોગ આપ્યો હતો એમાં ફિલિપાઇન્સના સૈનિકોની ખુવારી પણ ઘણી મોટી હતી. તેમની સ્મૃતિમાં દક્ષિણ કોરિયાની સરકારે આ સ્મારક ઊભું કર્યું છે.
અમારી બસ ત્યાર પછી એક સરહદ ઉપર આવી પહોંચી. બધાંના પાસપૉર્ટ અહીં ફરીથી તપાસવામાં આવ્યા. અમારી બસમાં એક અમેરિકન લશ્કરી ઑફિસર આવી પહોંચ્યો. એણે અમને બધાંને કહ્યું, “પાનમુનજોમની મુલાકાત માટે હવેથી હું તમારો લશ્કરી ગાઇડ છું. હવે તમે બધાં મારા ચાર્જમાં છો. મારી સૂચના પ્રમાણે જ બધાંએ ચાલવાનું રહેશે. તમારી આ ટૂરના ગાઇડે તમને બધાંને સૂચના આપી જ હશે, છતાં તે બધી હું ફરીથી બોલી જાઉં છું.'' એમ કહી એણે બધી સૂચનાઓ અમને ફરીથી કહી.
ત્યાર પછી પાનમુનજોમ વિશે ઐતિહાસિક માહિતી આપતાં એણે કહ્યું, “હવે આપણે ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચેના બફર ઝોનમાં દાખલ થઈએ છીએ. ઉત્તર અને દક્ષિણ કોરિયાના ભાગલા પાડતી દોઢસો માઈલ લાંબી અને બે માઈલ પહોળી આ સરહદ ‘બિનલશ્કરી ઝોન' અથવા બફર ઝોન તરીકે ઠરાવવામાં આવી છે. તમને યાદ હશે કે બીજા વિશ્વયુદ્ધ વખતે જાપાન ઉપર અણુબૉમ્બ નાખવામાં આવ્યા તે પછી તરત જ જાપાને અમેરિકાની શરણાગતિ સ્વીકારી અને વિશ્વયુદ્ધ બંધ થયું. પરંતુ આ વિશ્વયુદ્ધના છાંટા કોરિયામાં જુદી રીતે ઊડ્યા. ત્યારે આખું કોરિયા જાપાનની સત્તા નીચે આવી ગયું હતું. જાપાને શરણાગતિ સ્વીકારી એટલે અમેરિકન સૈનિકોએ જાપાન પછી તરત જ કોરિયાનો કબજો લેવા માંડ્યો. પરંતુ એ જ વખતે બીજા વિશ્વયુદ્ધની યુરોપની મોટામાં મોટી સત્તા તે સોવિયેટ યુનિયને પણ પોતાની બાજુથી કોરિયામાં જાપાની સૈનિકો પાસે શરણાગતિ સ્વીકારાવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org