________________
સમયનો સવાલ
૧૫૩
ફલાઇટમાં આપણને બેસાડવા બંધાયેલી હોય છે, પરંતુ બીજી ફલાઇટ ક્યારે મળે તેનો પ્રશ્ન હતો. ઍરપૉર્ટથી ન્યૂયૉર્ક શહેરમાં પાછા આવીને રહેવું પડે તથા સામાન મુંબઈના ઍરપૉર્ટ પર ઊતરી ‘અનબ્લેઇન્ડ બેગેજ'માં ચાલ્યો જાય તે ત્યાંથી પાછો મેળવવાનો પ્રશ્ન પણ ઊભો થાય. (બીજા દેશો કરતાં ભારતમાં એ વધારે કડાકૂટવાળો પ્રશ્ન છે.) વળી મુંબઈ તરત ટૂંકકૉલ કરીને ઘરે ખબર આપી દેવી પડે, જેથી ઍરપૉર્ટ પર કોઈ તેડવા ન આવે. આ બધા પ્રશ્નો અમારાં ચિત્તને ઘેરી લેવા લાગ્યા.
ડ્રાઇવરે ફરીથી પૂછ્યું, “ઍરપૉર્ટ ઉપર લઉં સાહેબ ?''
એના બોલવાના ભાવ પરથી મારા ચિત્તમાં અચાનક વિચા૨ ઝબક્યો કે ડ્રાઇવર કદાચ જાણીજોઈને જૂઠું તો નહિ બોલતો હોય, ઍરપૉર્ટ સુધીના ઘરાક મેળવવા ? આમ પણ ટ્રેઇન કરતાં ટૅક્સીમાં વધારે વાર લાગવાની હતી. મોડું થયું હતું એટલે ટૅક્સીમાં. ગયા પછી ફલાઇટ મળે કે કેમ તે પ્રશ્ન તો હતો જ. તો પછી ટૅક્સીમાં આટલા બધા ડૉલર શા માટે ખર્ચવા ?
મેં કહ્યું, “અમને રેલવે-સ્ટેશન પર જ ઉતારી દો.”
રેલવે-સ્ટેશન ચાલતાં જઈ શકાય એટલું પાસે જ હતું. સમય બચાવવા અમે ટૅક્સી કરી, પરંતુ ડ્રાઇવર જે રીતે ટૅક્સી હંકારતો હતો તે પરથી લાગ્યું કે તે જાણી-જોઈને એકમાર્ગીય ગલીઓમાં ટૅક્સી ઘુસાડે છે, જેથી ટૅક્સીનું ચક્કર વધે અને એનું ભાડું પણ વધે. એમ કરતાં તો રેલવે-સ્ટેશન કરતાં અમે થોડે દૂર નીકળી ગયાં. ડ્રાઇવરને મેં ફરી યાદ અપાવ્યું કે “અમારે ઍરપૉર્ટની ટ્રેન માટેના સ્ટેશને પહોંચવું છે.” પરંતુ એણે બીજા કોઈક રેલવે-સ્ટેશન પાસે અમને ઉતાર્યાં. સ્ટેશનમાં જઈને જોયું તો તે ઉપનગરની ટ્રેનો માટેનું સ્ટેશન હતું, ઍરપૉર્ટ માટેનું નહિ. તે તો બે બ્લૉક જેટલું દૂર હતું. બહારી નીકળી અમે ચાલતાં ચાલતાં દસેક મિનિટે ત્યાં પહોંચ્યાં. તપાસ કરી તો જણાયું કે ટ્રેનો બંધ થવાની વાત તદ્દન ખોટી હતી. ટ્રેન હમણાં જ ઊપડી ગઈ હતી અને બીજી ટ્રેન વીસ મિનિટ પછી મળવાની હતી. આમ પ્રત્યેક ડગલે સમય વેડફાતો જતો હતો.
અમે લાચાર હતા. એક કલાકનો ટ્રેનનો રસ્તો અને ત્યાંથી ઍરપૉર્ટની બસમાં બેસી અમેરિકનના ટર્મિનલ બિલ્ડિંગ સુધી પહોંચવાની બીજી દસપંદર મિનિટ જોઈએ. હવે બીજો વધુ કંઈ સમય ન બગડે તોપણ બરાબર સાડા છ વાગે પહોંચાય અને એ તો ફલાઇટ ઊપડવાનો સમય હતો. અમને થયું કે હવે તો ફલાઇટ અચૂક ચૂકી જઈશું. આશા બિલકુલ ન હતી. પરંતુ ટ્રેનમાં બેઠાં છીએ એટલે ઍરપૉર્ટ સુધી પહોંચીને જ પાછાં ફરવાનું રહ્યું હતું. ટ્રેનમાં આખે રસ્તે અમે પ્રાર્થના અને નવકારમંત્રનો જાપ કરતાં રહ્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org