________________
૧૪૭
દિગંબર સ્નાન વિચિત્ર લાગે, પણ પછી આપણે ટેવાઈ જઈએ છીએ. અમને વિચાર આવ્યો કે આપણે ભારતમાં દિગંબર જૈન સાધુઓ પાસે જઈએ છીએ ત્યારે ત્યાં કેટલી શાંતિ અને સ્વાભાવિકતા પ્રવર્તતી હોય છે ! ત્યાં વૃદ્ધ અને યુવાન સ્ત્રીઓ અને નાનાં બાળકો પણ હોય છે. પ્રથમ વાર જોનારને થોડો સમય કુતૂહલ રહે. પણ પછી આપણે એનાથી ટેવાઈ જઈએ છીએ. જેમ પશુપક્ષીઓને નગ્ન જોતાં આપણને સંક્ષોભ થતો નથી, તેવું જ દિગંબર સાધુઓની પાસે વધુ વખત રહેવાથી અનુભવાય છે. પ્રાકૃત માણસ અચલક હતો. વસ્ત્ર એ સભ્ય સંસ્કૃતિએ ઉપજાવેલું કૃત્રિમ ઉપકરણ છે. માટે નિસર્ગદત્ત અવસ્થામાં જ્યાં બધા સ્નાન કરતા હોય ત્યાં આપણને ક્ષોભ થવો ન જોઈએ.
બીજે દિવસે અમે પણ દિગંબર સ્નાન કરવામાં જોડાયા. એક વખત ક્ષોભ અને લજ્જા ગયાં એટલે કશું અસ્વાભાવિક કે વિચિત્ર ન લાગે.
અમારા એક જાપાની મિત્રે કહ્યું, “અહીંની હોટેલોમાં માત્ર પુરુષોના હોજની એક દીવાલ પારદર્શક કાચની હોય છે એવું નથી. સ્ત્રીઓના હોજને પણ એવી પારદર્શક દીવાલ હોય છે.” પછી એમણે સામા કિનારાની દૂરની એક હોટેલ તરફ નજર કરવા કહ્યું. ત્યાં સ્ત્રીઓ નગ્નસ્નાન કરી રહી હતી. એમણે કહ્યું, “તમે ભારતવાસીઓને આ જોઈ બહુ નવાઈ લાગે, છે નહિ ? પણ કદાચ હું જો ક્યાંક જોવા મળશે તો તમને એથી પણ વધુ નવાઈભરી લાગે એવી અહીંની પ્રથા બતાવીશ.”
કિનુગાવાથી અમે કેટલાક માઈલ દૂર એવી જ બીજી એક નદીના કિનારે આવેલા કાવાજી નામના સ્થળે ગયાં. ત્યાં અમે “કાશી વાયા” નામની એક વિશાળ અદ્યતન હોટેલમાં ઊતર્યા હતાં. ગરમ પાણીના હોજમાં સ્નાન કરી અમે જમવા માટે એક વિશાળ ખંડમાં એકઠાં થયાં. અમે બેઠાં હતાં ત્યાં પેલા જાપાની મિત્રો બાલ્કનીમાં અમને લઈ ગયાં. ત્યાંથી તેમણે નીચે નદીકિનારે થોડે દૂર ગંધકવાળા ગરમ પાણીનો એક કુંડ બતાવ્યો. એમણે કહ્યું, “અહીંની ઘણી હોટેલોમાં તો હીટર વડે ગરમ કરેલું પાણી હોય છે, પરંતુ પેલો કુંડ તો ગંધકવાળા ગરમ પાણીના ઝરાનો કુંડ છે. જાહેર જનતા માટે તે છે. આ બધી હોટેલોમાંથી અને શહેરના રહેવાસીઓમાંથી જેમને ત્યાં નહાવા જવું હોય તે જઈ શકે છે. ત્યાં તમે બરાબર ધારીને નજર કરો.”
અમે ત્યાં નજર કરી તો એક કુંડમાં નિર્વસ્ત્ર સ્ત્રીઓ અને પુરુષો કશા પણ ક્ષોભ કે સભાનતાના ભાવ વિના સ્વાભાવિકતાથી સાથે સ્નાન કરી રહેલાં દેખાયાં. થોડી થોડી વારે એક પછી એક સ્ત્રી કે પુરુષ આવે, તરત બધાં વસ્ત્ર ઉતારે અને કુંડમાં નાહવા દાખલ થાય. અમારા જાપાની મિત્રે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org