SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ પાસપોર્ટની પાંખે અંદર ઊભેલા પ્રવાસીઓને અમે હવે ઊંચું મોઢું કરીને જોવા લાગ્યા. બીજા હોજની પાણીની સપાટી હવે ત્રીજા હોજની સપાટી જેટલી થઈ ગઈ. એ બેની વચ્ચેનો દરવાજો ખૂલતાં સ્ટીમર સરખી સપાટીવાળા ત્રીજા હોજમાં દાખલ થઈ. દરવાજો બંધ થયો. આ ત્રીજા હોજની પાણીની સપાટી પેસિફિક મહાસાગરનાં પાણીની સપાટી જેટલી હતી. એનો છેલ્લો દરવાજો ખૂલતાં સ્ટીમર નહેરમાં સડસડાટ ચાલવા લાગી અને થોડું અંતર પાર કરી પેસિફિક મહાસાગરમાં દાખલ થઈ ગઈ. આ ત્રણે હોજમાં પાણીની વધઘટ કરવાનું કામ યંત્રરચના વડે દિવસરાત નિયમિતપણે ચાલ્યા કરે છે. રોજની લગભગ ચાલીસ (બાર મહિને લગભગ સાડાબાર હજાર) સ્ટીમરોની અવરજવર આ નહેરમાં થાય છે. નહેર પસાર કરવા માટે બંને મહાસાગરમાં સ્ટીમરોને નહેર પાસે આવીને લાઇનમાં ઊભા રહેવું પડે છે. એક મહાસાગરમાંથી નહેર દ્વારા બીજામાં પહોંચતાં આઠથી સોળ કલાક લાગે છે, પરંતુ એથી દક્ષિણ અમેરિકાને છેડે આવેલા કેપ હોર્નના તોફાની અને જોખમી સમુદ્રનું આઠ હજાર માઈલનું ચક્કર બચી જાય છે. મિરાફલોર્સના હોજ એકસો દસ ફૂટ પહોળા અને હજા૨ ફૂટ લાંબા છે. એની અંદર સમાઈ શકે એટલી મોટી સ્ટીમર પનામાની નહેરમાંથી પસાર થઈ શકે. સિત્તેર વર્ષ પહેલાં જ્યારે આ હોજ બાંધવામાં આવ્યા ત્યારે તે પહેલેથી એટલા બધા લાંબા અને પહોળા રાખવામાં આવ્યા હતા કે હજુ પણ મોટામાં મોટી સ્ટીમરો તેમાંથી પસાર થઈ શકે છે. દુનિયાની મોટામાં મોટી સ્ટીમરોમાં અત્યારે જેની ગણના થાય છે તે “ક્વીન એલિઝાબેથ – ટુ નામની આધુનિક જબરદસ્ત મોટી સ્ટીમર ( ૧૦૫ ફૂટ પહોળી અને ૯૬૩ ફૂટ લાંબી છે) પણ પનામાની નહેરમાંથી પસાર થઈ ગઈ છે. નહેરનો માત્ર એક વખત ઉપયોગ કરવા માટે એણે ૬૮૫૦૦ ડૉલરનું ભાડું ચૂકવ્યું હતું. સ્ટીમરનું કેટલા ટન વજન છે તે પ્રમાણે ભાડું નક્કી થાય છે. એક સ્ટીમરનું સરેરાશ ભાડું પંદર હજાર ડૉલર છે. પનામાની નહેરમાંથી એક વખત પસાર થવા માટેનું વધુમાં વધુ ભાડું ‘એલિઝાબેથ – ટુએ ચૂકવ્યું છે. અને ઓછામાં ઓછું ભાડું કેટલું ચૂકવાયું હશે ? માત્ર છત્રીસ સેન્ટ એટલે કે પૂરો એક ડોલર પણ નહિ. કોઈ સ્ટીમરનું આટલું ઓછું ભાડું તો હોઈ જ ન શકે. પરંતુ આ ભાડું ચૂકવ્યું હતું રિચાર્ડ હેલિબર્ટન નામના એક સાહસિકે ઈ. સ. ૧૯૨૮માં. એટલાન્ટિક મહાસાગરમાંથી પનામાની નહેરમાં તરતાં તરતાં તે પેસિફિક મહાસાગરમાં દાખલ થયો હતો. તેને માટે પણ એક હોજમાંથી બીજા હોજમાં પાણીની વધઘટ કરવામાં આવી હતી. એનું ત્યારે અદ્વિતીય ગણાતું સાહસ જોવા માટે હજારો માણસો એકત્ર થયા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002036
Book TitlePassportni Pankhe Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy