________________
શ્વત ઉપાસક રમણભાઈ
૪૯૯
સમસ્ત જૈન સંઘના લાડકવાયા-રમણભાઈ
કેશવજી રૂપશી શાહ માનનિય, વંદનીય, પૂજનીય અમારા, આપણા અને સમસ્ત જૈન સંઘના લાડકવાયા ધર્માનુરાગી અને પુણ્યશાળી શ્રીમાન રમણલાલ ચીમનલાલ શાહનું તા. ૨૪-૧૦-૦૫ના રોજ વહેલી સવારે નિધન થયું અને પરમ શાંતિને પામ્યા.
અમર કામ જ કરે જગતમાં, તે નર અમર ગણાય.
આવી મહાન વિભૂતિને શ્રદ્ધાંજલિ અર્પવા માટે જે શબ્દો જોઈએ તે મારી પાસે નથી. ફક્ત મારી કાલી ઘેલી ભાષામાં હું મારા હૃદયના અતિ ઉંડાણથી તેમને વંદન કરી મારી કલમને ઉપાડું છું.
સને ૧૯૭૪ માં શ્રમણ ભગવાન મહાવીરની ૨૫૦૦ મી જયંતી ઉજવવાના પાવન પ્રસંગે મોમ્બાસા જૈન શ્વેતામ્બર દેરાવાસી સંઘે તેમને ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું અને તેઓ સ્વીકાર કરી મોમ્બાસા પધાર્યા, તારબહેન પણ સાથે હતા જ અને સંગીતકાર તરીકે જૈન સંઘના મહાન સંગીતકાર સ્વ. શ્રીમાન શાંતિલાલ શાહને પણ આમંત્રણથી બોલાવેલા. એ વખતે હું સંઘના પ્રમુખ હતો. તેમના કાર્યક્રમ, મોમ્બાસા, નાઈરોબી અને અન્ય સ્થળોએ પણ યોજાયેલ ત્યારની ઓળખાણથી આજસુધી અમારા સંબંધો બંધાયા પરંતુ દૂર દૂર હોવાના કારણે જ્યારે ભારત આવીએ ત્યારે જ મળી શકાય પરંતુ જ્યારે જ્યારે મળતા ત્યારે તેઓ કહેતા કે કેશુભાઈ, મોમ્બાસા જેવી વ્યાખ્યાન આપવાની મજા મને ક્યાંય નથી આવી.
આવી મહાન વિભૂતિ આપણી વચ્ચેથી વિદાય લઈ ગઈ પરંતુ તેમના કરેલા શુભકાર્યો તો કાયમને માટે યાદગાર રહેશે, આવતા સમયમાં કોઈ વિદ્વાન લેખક જૈન સંઘનો ઈતિહાસ લખશે તો તેમનું નામ ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે.
પંચોતેર વર્ષની ઉમરે જેઓશ્રી “અધ્યાત્મસાર” અને “જ્ઞાનસારના ગ્રંથોનો અનુવાદ અને ભાવાર્થ લખે તે કેટલી મહાન વાત છે. આવા ગ્રંથોના અનુવાદ કરતાં નાની સરખી પણ કોઈ ભૂલ રહી જાય તો “દોષને પાત્ર બની જવાય એ ન બને એટલા માટે એમણે કેટલી કાળજી રાખી હશે' એ વિચારવાનું છે. મુંબઈ જૈન યુવક સંઘ અને “પ્રબુદ્ધ જીવનના એઓ પાયાના પત્થર હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org