________________
૪૮૦
ચુત ઉપાસક રમણભાઈ
લીધે જ હું બંને તાલીમ સફળતાપૂર્વક પૂરી કરી શકી છું.
યુનિવર્સિટીમાં સેમિનાર હોય, બીજી કોઈ વ્યાખ્યાનમાળા હોય, વક્તાઓને સાંભળ્યા પછી, તેમની પાસેથી સંતોકારક જવાબ ન મળે તો હું સીધી પહોંચી જતી સર પાસે. બીજા કોઈ પણ કામમાં તેઓ વ્યસ્ત હોય તો પણ થોડોક સમય ફાળવી, મારી સાથે મુક્ત મને ચર્ચા કરે. કોઈપણ મુદ્દાને સમજાવવાની એમની રીત જ એટલી સરળ હોય કે કોઈપણ વિષયના મુદ્દા મનમાં એકદમ સહજ રીતે ઉતરી જાય અને સરની સ્વસ્થ સમજાવટથી બધી અકળામણ શાંત થઈ જાય.
એમ.એ.નાં એક પેપરમાં ૨૫ માર્ક્સમાં કોઈપણ વિદ્વાન તત્ત્વચિંતકનાં વ્યાખ્યાનમાંથી એક Unseen Paragraph ના આધારે પૂછેલા પ્રશ્નોના જવાબ આપવાના હોય. યુનિવર્સિટીનાં જૂનાં પેપર્સમાંથી આવા Paragraphs લઈ ઘણીવાર હું સર પાસે શીખવા ગઈ છું. તેઓ શાંતિથી એ ફકરો વાંચતા જાય અને સમજાવતા જાય. ત્યારે એમ લાગતું કે સર પાસે જરૂર કોઈ જાદુઈ શક્તિ છે. એટલે જ એમની પાસે જતાં ગમે તેટલું અઘરું સરળ બની જાય છે. પણ અધ્યાપન શરૂ થતાં સમજાયું કે એમનામાં રહેલા સતત જાગૃત શિક્ષકે, એમનાં વિશાળ વાંચનને, બહોળા અનુભવે અને વસ્તુના તલસ્પર્શી અભ્યાસે કેટલી સહજતાથી કોઈ વ્યક્તિ કે વિષયને સમજવાની મારી એક નવી દષ્ટિ અનાયાસે કેળવી દીધી છે!
આજે વર્ષો પછી પણ સરે “અઘરાંને સહેલું બનાવવા ચલાવેલો જાદુ” મારા જેવા કેટલાય વિદ્યાર્થીઓનાં જીવનનું પાથેય બની ગયો છે.
આમ આ દરિયાવદિલ સર આપવામાં પોતાનાં જીવનની સાર્થકતા સમજતા. લેનારમાં જેટલી શક્તિ હોય તેટલું છૂટથી લઈ શકે. સરની એમાં તદ્દન નિરપેક્ષ ભાવના હતી. પરગજુ વૃત્તિના સર તો જ્ઞાનની પરબ માંડીને બેઠા હતા. તરસ્યાંને તૃપ્ત તો કરે પણ ફરી તરસ લાગે તો ઉપાય તરીકે પોતાનાં પુસ્તકો પણ મોકળે મને આપતા, જે વાંચી, સમજી ફરી તૃપ્તિનો અનુભવ કરી શકાય
કવિ કલાપીએ કહ્યું છે“માણ્યું એનું સ્મરણ કરવું એ ય છે એક લહાણું ”
અમારા સૌજન્યશીલ, પ્રેમાળ, અનેક વિષયોમાં નિપુણ સર પાસેથી જે કંઈ પણ થોડું માર્ગદર્શન મને મળ્યું છે તે ચિરસ્મરણીય તો છે જ, સાથે સાથે આજે પણ જીવનમાં તે દીવાદાંડીની ગરજ સારે છે અને જીવવાની સાચી દિશા બતાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org