________________
४७८
શ્રુત ઉપાસક રમણભાઈ
મારા પિતાતુલ્ય સાહેબ
|અંજના બૂચ ૧૯૭૦-૭૧ ની સાલ મારે માટે તો અવિસ્મરણીય છે. એ વર્ષે જ એક પિતાતુલ્ય મહાન સર સાથે મારો આજીવન સંબંધ બંધાયો.
એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીની, ગુજરાતી વિષય લેનારી, એમ.એ.ની વિદ્યાર્થિનીઓ માટે એક સેમિનારનું આયોજન થયું હતું. મુંબઈની વિભિન્ન કૉલેજોમાંથી વિદ્વાન પ્રોફેસરોને, ગુજરાતી ભાષાના ખ્યાતનામ કવિ-લેખકોને વક્તા તરીકે આમંચ્યા હતા. એ બધામાં એક પ્રોફેસર હતા ડૉ. આર. સી. શાહ. સહુએ એક ચિત્તે એમનું વ્યાખ્યાન સાંભળ્યું. મનમાં ઉતરી પણ ગયું. સેમિનારને અંતે વક્તાઓને કેટલાક પ્રશ્નો પૂછવાનું મન થયું, પણ સમયના અભાવે તે શક્ય નહોતું. છતાં સરે તે પ્રશ્નોનો કાગળ લઈ, “બોમ્બે યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં આવો, નિરાંતે બધા પ્રશ્નોના ઉત્તર આપીશ', કહીને બીજા વક્તાઓની સાથે અમારી વિદાય લીધી.
હું મારી મિત્ર સાથે થોડા દિવસ પછી યુનિવર્સિટીમાં સરને મળવા ગઈ. ખરેખર, એમણે સાચવી રાખેલા બધા પ્રશ્નોના ખૂબ સંતોષકારક ઉત્તર આપ્યા. મેં તેમની તરત જ નોંધ પણ કરી લીધી. એમણે વધુ વિગતો મેળવવા ક્યાં, કોનાં પુસ્તકો વાંચવાં તેનું માર્ગદર્શન પણ આપ્યું. આમ વિદ્યાર્થીઓની જીજ્ઞાસાવૃત્તિને સંતોષવી અને તેમની વાંચનવૃત્તિને વધુ વિકસાવી યોગ્ય માર્ગે વાળવી એ સરમાં રહેલો આદર્શ શિક્ષકનો ગુણ વિદ્યાર્થી તરીકે અમને અભિભૂત કરી ગયો. અમે બંને મિત્રોએ એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીનાં એક્ષટર્નલ ટુડન્ટ્સનાં સરનાં ગાઈડન્સ લેક્ઝર્સમાં બેસવા એમની સંમતિ મેળવી અને એ કલાસમાં જવાનું શરૂ પણ કરી દીધું.
પ્રોફેસર ડૉ. રમણભાઈ શાહનો આ અમારો સૌથી પહેલો પરિચય. યુનિવર્સિટીમાં એમને મળ્યા તે પહેલાં જ એમને વિષે ઘણી માહિતી મળી હતી, જેમાંની એક હતી એન.સી.સી.ના એક વખતના અત્યંત બાહોસ મેજરની. સરનો પહેલો વ્યક્તિગત પરિચય થયો ત્યારે ખૂબ જ શિસ્તબદ્ધ જીવન જીવનાર વ્યક્તિ હોવા છતાં અત્યંત સરળ, સાલસ, સાદા, પ્રેમસભર આંખો અને શબ્દોમાં છલકાતો સદ્ભાવ-આવા એક ઉમદા માનવનો અનુભવ થયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org