________________
ભુત ઉપાસક રમણભાઈ
૩૮૫
પુસ્તકો લખ્યાં છે. વર્ષો સુધી અનુસ્નાતક એમ.એ.નું અધ્યાપન કરાવેલું છે ને પીએચ.ડી.ના માર્ગદર્શક અભ્યાસક તરીકે એમણે સફળ રીતે કામગીરી બજાવી કેટલાય વિદ્યાર્થીઓને પીએચ.ડી.ની ઉપાધિ માટેનું સફળ રીતે માર્ગદર્શન કર્યું છે. આમ છતાં તેમનામાં એ અંગેનો ઘમંડ દેખાતો નહોતો. આવા સીધા, સાદા ને સરળ સેવાભાવી સજ્જન એ હતા.
તેઓ એમનું કામ નિયમિત રીતે પાર પાડતા. એમનું શરીર પણ કસાયેલું ને નિર્વ્યસની એમનું જીવન. વળી કૉલેજ તરફથી કહેવામાં આવ્યાથી એમણે એન.સી.સી.ની તાલીમ પણ શાસ્ત્રીય રીતે લીધેલી ને એ ક્ષેત્રમાંય કેપ્ટન અને મેજરના ઉચ્ચપદે તે પહોંચ્યા હતા, એનું કારણ એ જ કે જે કામ એ કરતા તે ચીવટ ને નિષ્ઠાથી કરતા હતા. એ જ રીતે એમના હાથમાં પ્રબુદ્ધ જીવનનું તંત્રીપદ સોંપાયું ત્યારે એનેય એમણે પોતાની સઘળી શક્તિ ને નિષ્ઠાથી કર્યું ને દીપાવ્યું. એમાંય એમણે નિયત ધોરણ જાળવી રાખેલું. એ માટેના લેખની પસંદગીમાં તેઓ તટસ્થતા જાળવતાને કોઈનીય શેહ શરમને ન ગાંઠતા. એ જ કારણથી મારા વર્ષો જૂના મિત્ર હોવા છતાં ને મારા વતન ભરૂચના રહેઠાણ આવીને આતિથ્ય માણી ગયા છતાં તેમણે મારા કેટલાય લેખો “પ્રબુદ્ધ જીવન” માટે યોગ્ય ન લાગવાથી પરત મોકલ્યા હતા, આવા નિષ્પક્ષ તેઓ હતા. એમનામાં ધર્મની જડતા નહોતી, પણ તેની જીવંતતા ઝળહળતી હતી.
તેમની સૂચનાઓ સંક્ષિપ્ત રહેતી. પોતે ખુદ જે લખતા ને “પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ કરતા તે સાંગોપાંગ અભ્યાસ કરીને જ અક્ષર પાડતાં હતા. જરાય ઊણપ એ નભાવી લેતા નહિ. અમે એમ.એ.માં સાથે વાંચતા, પણ મારાથી એ વધારે તેજસ્વી બુદ્ધિના અને સૂક્ષ્મ તીવ્ર સ્મરણશક્તિ ધરાવતા હોવાથી ૧૯૫૦ની એમ.એ.ની પરીક્ષામાં ગુજરાતી વિષયમાં સૌથી વધુ ગુણ મેળવનાર તરીકે સાક્ષર શ્રી બ. ક. ઠાકોર સુવર્ણચંદ્રક એમને પ્રાપ્ત થયેલો. એનું એમનામાં જરાય અભિમાન નહોતું. એ હતા મિતભાષી ને મિતવ્યયી.
પત્રવ્યવહારમાં એ નિયમિત રહેતા. એમને લખેલા પત્રનો જવાબ આપવા જેવો હોય તો તરત જ એ લખતા, પણ જરાય બિનજરૂરી લંબાણ એમાં ન કરતા.
આવા શિષ્ટ સૌજન્યશીલ વિદ્વાન સન્મિત્ર એ હતા. એમની ચિરવિદાય છતાં એમની યાદ ધૂપસળીની મીઠી સુગંધની જેમ ચિત્તમાં ને જીવનમાં કાયમ માટે ઘૂમરાયા કરશે. એ સન્મિત્ર વિભૂતિને વંદન હો ને એમના આત્માને ચિર શાંતિ મળો એ પ્રાર્થના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org