________________
૩૭૬
શ્રત ઉપાસક રમણભાઈ
શ્રી રમણભાઈ સી. શાહનો મારો એ પહેલો પરિચય હતો. માંડવી - મારી જનમભૂમિના આંગણે શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈના ઉપક્રમે શ્રી રમણભાઈની પ્રેરણાર્થી એક અખિલ ભારતીય જૈન સાહિત્ય સમારોહનો. મારે તો અનાયાસ માંડવી જવાનું થયું હતું. આમંત્રિતો, મહેમાનો, વિદ્વાનોની ભોજન વ્યવસ્થા માંડવી જેન ભોજનશાળાના ઉપક્રમે મારા પિતાશ્રીએ ગોઠવેલી એટલે એમની સાથે હું અચાનક સમારોહમાં જઈ ચડી હતી અને એમણે જ મને સૂચન કર્યું - મારે પણ આ સમારોહમાં કશુંક રજૂ કરવું. કશું નવું લખવાનો સમય તો હતો જ નહિ. વર્ષો પહેલાં અમારા ઓરિસ્સાના વસવાટ દરમ્યાન મેં મારા કૉલેજ-કાળમાં એક ઉડિયા મહાનિબંધ “ઓરિસ્સામાં જૈન ધર્મ'નો ગુજરાતી અનુવાદ કરેલો. એમાંના અમુક પ્રકરણો અલગ તારવી નિબંધ રૂપે મેં બીજે દિવસે એની રજૂઆત કરી. ઓરિસ્સા કે જ્યાં હવે જૈન ધર્મનું ખાસ કશું અસ્તિત્વ નથી, એવા પ્રદેશમાં સમ્રાટ ખારવેલના વખતમાં જૈનધર્મે ઈતિહાસ સર્જ્યો હતો એની વાત શ્રી રમણભાઈને સ્પર્શી ગઈ અને આમેય “નવા નિશાળિયાઓને વર્ગમાં રસ લેતા કરવા, એ રસ એમનો કાયમ જળવાઈ રહે એ માટે પોતાની એટલી ઊંચાઈએથી નીચા નમી એમની આંગળી પકડવી એ તો વ્યવસાયે “શિક્ષક' એવા શ્રી રમણભાઈનો સહજ સ્વભાવ. એ પછીના સમારોહમાં મને મારો નિબંધ રજૂ કરવાનું આમંત્રણ શ્રી રમણભાઈ તરફથી મળ્યું ને હું રોમાંચિત થઈ ઊઠી. અને ત્યારથી આજ લગભગ પચ્ચીસ વર્ષ થયા - હું સાહિત્ય સમારોહમાં ભાગ લેતી રહી છું, નિબંધો લખતી રહી છું. તત્વજ્ઞાન-ફિલોસોફી આમેય મારો પ્રિય વિષય. કૉલેજમાં પણ બી.એ. દરમ્યાન તર્કશાસ્ત્ર (Logic) અને દર્શનશાસ્ત્ર (Philosophy) વિષયો રાખેલા ત્યારે સર્વશ્રી રાધાકૃષ્ણનનું Indian Philosophy Text તરીકે હતું. ત્યારે વિધવિધ ભારતીય અને વિદેશી દર્શનશાસ્ત્રો ભણવાનું થયેલું. જેમાં જેન-દર્શન પણ ખરું. હવે આટલા વર્ષે શ્રી રમણભાઈના પ્રોત્સાહનથી શ્રી જેન-દર્શન અંગેના નાના-મોટા પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું. અને તેમ તેમ સમજાતું ગયું કે કિનારે બેસીને છબછબિયાં કરવાથી શંખ-છીપલાં સિવાય કશું હાથ નહીં લાગે. એટલે વાંચનનો વ્યાપ વધ્યો. મારી અને મારા જેવા અનેકની વાંચન-ક્ષિતિજને વિસ્તારનાર શ્રી રમણભાઈનું અસ્તિત્વ જ્યારે ક્ષિતિજની પેલે પાર સુધી વિસ્તરી ચૂક્યું છે ત્યારે હું આ મારા લેખ દ્વારા તેમને ભાવભીની અંજલિ આપવા માગું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org