________________
૩૭૪
શ્રુત ઉપાસક રમણભાઈ
ધર્મિષ્ઠ શ્રુતભક્ત
E ડૉ. વીરેન્દ્ર પી. શાહ
ડૉ. રમણભાઈ સાથેનો મારો સંબંધ સન ૧૯૮૬ થી શરૂ થયો ત્યારે તેઓ મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના વડા હતા. ૧૯૮૬ ની સાલમાં મેં ૨૪ તીર્થંકરોની સ્તવનાવલી રચેલી અને એની પ્રસ્તાવના લખવા માટે મેં એમને વિનંતી કરેલી. ત્યારે હું એમને યુનિવર્સિટીના એમના રૂમમાં મળતો. જરા પણ અહમ્ની છાંટ વગર તેઓએ અતિ ભાવવાહી પ્રસ્તાવના લખી આપેલી અને એ ચોવીશીના વિમોચન પ્રસંગે પણ હાજર રહી એ વિશે સુંદર ઉદ્બોધન કરેલું.
ત્યાર પછી તેઓ સાથેનો મારો પરિચય વર્ષો-વર્ષે ગાઢ બનતો ગયો. તેઓ પોતાના લેખન કાર્યમાં અને અન્ય પ્રવૃત્તિઓમાં અતિ વ્યસ્ત હોવા છતાં જ્યારે પણ હું એમનો સંપર્ક કરતો ત્યારે તેઓ મારી શંકાઓનું નિરાકરણ કરતા અને મને માર્ગદર્શન આપતા. અત્યંત નિઃસ્પૃહી અને નિજાનંદી એવા આ સાહિત્યસર્જકને જ્યારે જ્યારે હું મળ્યો છું ત્યારે ત્યારે એમની સાદગી અને સરળતા આંખે ઊડીને વળગી છે.
વર્ષો સુધી એમને જૈન યુવક સંઘનું મુખપત્ર ‘પ્રબુદ્ધ જીવન'નું સુકાન પોતાની આગવી શૈલીથી સફળતાપૂર્વક સંભાળ્યું છે અને એમના જ્ઞાનસભર ચિંતનાત્મક અગ્રલેખોએ વાચકોની જ્ઞાનપિપાસા ઠારી છે. તેઓનું આ યોગદાન અતિ ઉચ્ચ કક્ષાનું રહ્યું છે.
દેશ-વિદેશમાં જૈન ધર્મ વિશેના એમના પ્રવચનો અને વાર્તાલાપો જ્ઞાનદાનના યજ્ઞરૂપે યશસ્વી રહ્યા છે.
તેઓએ વિશાળ સાહિત્યનું સર્જન અને સંપાદન કર્યું છે. જૈન ધર્મનું એમનું ઊંડું અને તલસ્પર્શી જ્ઞાન એમના અનેકવિધ વિષયો પરના પુસ્તકોમાં પથરાયેલું છે. એમની ભાષા એમના સાદગીભર્યા વ્યક્તિત્વની જેમ જ સહજ અને સરળ હોવાથી એમનાં પુસ્તકો વાંચનક્ષમ, આકર્ષક બન્યાં છે. એમની આ અનોખી શ્રુતભક્તિ વિશિષ્ટ કોટિની હોઈ આ વિદ્વર્ય ધર્મિષ્ઠ શ્રુતભક્તને અંતરની ભૂરી ભૂરી વંદના !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org