________________
૨૯૬
શ્રત ઉપાસક રમણભાઈ
ટાંક્યો છે, જેનો અર્થ છે: “જેમ દોરો પરોવેલી સોય પડી જવા છતાં ગુમ થતી નથી તેમ જ્ઞાનરૂપી સૂત્રમાં પરોવાયેલો આત્મા સંસારમાં નષ્ટભ્રષ્ટ થતો નથી.' જ્ઞાનની અવિરત ઉપાસના એ એમનો સ્વભાવ હતો.
ટેલિફોન ઉપર એમની સાથે વાત કરવાનો પ્રસંગ આવે ત્યારે હું હંમેશાં વાતને ટૂંકમાં પતાવી ફોન મૂકવાનો વિચાર કરું, પણ શિક્ષક રમણભાઈ તો દરેક વાતને પૂરા વિસ્તારથી વિગતવાર સમજાવે. એમને કદાચ એમ થતું હશે કે, એક વાતના અનેક સંદર્ભ હોય છે. તેથી કોઈ ગેરસમજ ન થવી જોઈએ. તે જ પ્રમાણે કોઈને માઠું ન લાગે એ માટે પણ તેઓ પૂરા જાગૃત રહેતા. એમને ખબર હતી કે મન પર વાગેલા ઠેસના ઘા ઝટ રૂઝાતા નથી.
એમના ઘરે આવનાર કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય કે એમનો વિદ્યાર્થી હોય એને વિદાય આપતી વખતે સાહેબ લિફ્ટ સુધી વળાવવા આવે, લિફ્ટનું બારણું પોતે ખોલી આપે, બંધ કરી આપે અને સંભાળીને જવાની સૂચના આપે. એમને એક વાર પણ મળનારને આત્મગૌરવની લાગણી થાય એવી એમના સ્વભાવની ગરિમા.
આ શ્રાવકે પોતાના જીવનને એવી સહજ, સરળ, સીધી લીટીમાં ગોઠવ્યું હતું કે એમના બોલવામાં કે લખવામાં આડંબરી શૈલી આવે નહિ. શીલ તેવી શૈલી એ એમને માટે કહી શકાય. ત્રીજી માર્ચ ૧૯૮૪ ના રોજ અમદાવાદમાં શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાળા-ભાવનગરના ઉપક્રમે જૈન સાહિત્યની એમની સેવાઓ માટે સુવર્ણચંદ્રક એનાયત થયો ત્યારે કવિવર ઉમાશંકર જોશીએ કહ્યું હતું, ‘તેઓ અધ્યાપક, લેખક અને કવિવિવેચક છે, પરંતુ મને સૌથી વધુ સ્પર્શી ગયેલી બાબત તો એમની પારદર્શક સરળતા છે. ભુગુરાય અંજારિયા વિશે ગુજરાતીમાં કોઈએ સારામાં સારો લેખ લખ્યો હોય તો તે રમણભાઈએ લખ્યો છે. ચીમનભાઈએ “પ્રબુદ્ધ જીવનને ધન્ય કર્યું. આજે રમણભાઈ એ કામ સરસ રીતે ચલાવે છે.”
સાહેબે લખેલા ચરિત્રનિબંધો વાંચતાં ખ્યાલ આવે છે એમને કેવી કેવી ધુરંધર વ્યક્તિઓ સાથે આત્મીય સંબંધ હતો. ગુણ પ્રમોદનું મહત્ત્વ એ સમજતા હતા. નવું કોઈની પણ પાસેથી શીખવા મળે એને ગ્રહણ કરવા રમણભાઈ તૈયાર રહેતા હતા. ઉઘાડી બારીના જીવ હતા.
એક પ્રવાસ માણસને કેટલું બધું શીખવે છે ! સાહેબ તો અઠંગ પ્રવાસી. પ્રવાસથી એમના જીવનમાં અખંડ ઉત્સાહ, શિસ્ત, મોકળાશ અને ઉદારતા જેવા ગુણ પોષાતા રહ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org