________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૨૮૫
–અને મેં રમણભાઈનો સંપર્ક સાધ્યો.
મારા મનમાં જે વિષયો હતા તે વિશે ચર્ચા કરી, અને અંતે ગુજરાતી પરંપરાગત રંગભૂમિના સુવર્ણયુગના પાયાના પથ્થરસમા “મૂળશંકર મુલાણીના રંગભૂમિના પ્રદાન'-ના સંદર્ભમાં સંશોધન કરવાનું વિચાર્યું. પ્રો. ડૉ. રમણભાઈ શાહ વિશે ઘણું ઘણું સાંભળેલું. ..તેઓ બહુ મોટા ગજાના વિદ્વાન...ગુજરાતી વિભાગના પ્રથમ અધ્યક્ષ અને..ગાઈડ'..અને હું તો સાવ સામાન્ય શિક્ષક !' તેમનું વ્યક્તિત્વ જ કંઈક અનોખું હતું. પૂર્ણપણે શિસ્તબદ્ધ, કંઈ પણ ભૂલ કે અપૂર્ણતા ચલાવી ન લે તેવા...કંઈ પણ આડીઅવળી વાતો કે આત્મશ્લાધા કર્યા વગર મુખ્ય મુદ્દાની જ સીધી વાત કરવી એ તેમનો સ્થાયીભાવ હતો. તેમણે મારા વિષય માટે અનુમતિ તો આપી, પરંતુ એ પહેલાં નાટ્યવિદ્ સી. સી. મહેતા-ચંદ્રવદન ચીમનલાલ મહેતા-ને મળી લેવા જણાવ્યું. રંગભૂમિની આછીપાતળી પ્રવૃત્તિ કરતો હતો, એથી તેમના વિશે પણ ઘણું સાંભળેલું. મિત્રો કહેતાં, “દુર્વાસા જેવો ગુસ્સો છે, પણ એવા જ પ્રેમાળ પણ છે. રંગભૂમિ તેમનો શ્વાસોશ્વાસ છે'-ગભરાતો ગભરાતો હિંમત કરી એક વાર તેમને મળ્યો. ધીમે ધીમે તેમને બધી જ વાત કરી. તેમના મેઘધનુષી સ્વભાવની ઝલક મળી...તેમણે જાણે કે ટેલિગ્રાફિક ભાષામાં કહેતા હોય તેમ કહ્યું, “મળતો રહેજે'.....
બસ, અને વદન પર એવો ભાવ આવ્યો કે મને થયું કે આ “ચંદ્રવદન'...સાહેબ મને જવાનું કહે છે...હું જાણે કે ભાગ્યો જ..!
પ્રો. ડૉ. રમણભાઈના માર્ગદર્શન નીચે અધ્યયન અને સ્વાધ્યાય કરતો ગયો. એ સમયના અર્થાત્ પરંપરાગત રંગભૂમિના નાટકોમાં ગીતો બહુ જ મહત્વનો ભાગ ભજવતા. નાટકનું વિશ્લેષણ કરીને ગીતો પર એક આખું પ્રકરણ તૈયાર કરવાનું હતું. ખૂબ ખંતપૂર્વકના અભ્યાસ અને પ્રયત્નો પછી માંડ માંડ ગીતો મળ્યા તો ખરાં, પરંતુ એ કયા રાગમાં ગવાયા હશે તે કેમ ખબર પડે ?.... પ્રયત્નો પછી એ વિશે થોડી જાણકારી મળતી ગઈ. પછી મારા ખાસ મિત્ર અને સંગીતજ્ઞ, પંકજ મલિકના શિષ્ય, રમેશ દાણીની સહાયથી એ ગીતો નાટકની જે ઘટના અને જે જે પ્રસંગો અને પાત્રો દ્વારા રજૂ થતાં તે ગીતના રાગને અનુરૂપ હતા કે નહીં તેની યોગ્યતાનો સારો એવો અભ્યાસ કરી મારી રીતે લખી ડૉ. રમણભાઈને આપ્યું. તેમણે પંદર દિવસ પછી મળવા કહ્યું. મારો એકે એક દિવસ જાણે કે કટોકટીમાંથી પસાર થતો હોય એવું લાગ્યું ! માંડ માંડ પંદર દિવસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org