________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૨૮૩
યુવક સંઘ'ના નેજા હેઠળ એક સુંદર આયોજન કર્યું. આ યોજના હેઠળ પોતાના ક્ષેત્રમાં નિષ્ણાત એવા લોકો પોતાના આર્થિક સંજોગોને કારણે ક્યારેય પરદેશ જઈ શકતા નથી તેઓને પસંદ કરી સ્પોન્સરશીપ દ્વારા પરદેશ મોકલ્યા. આ યોજના દ્વારા આવી વિશેષ વ્યક્તિઓને વિશ્વના સુંદર શૈક્ષણિક અને સાંસ્કૃતિક
સ્થળો જોવાનો અને માણવાનો લાભ મળે. આ યોજનાનો લાભ મેળવવાનું સભાગ્ય મને પણ પ્રાપ્ત થયું. પીએચ.ડી. થયા પછી એક દિવસ ૧૯૮૫માં યુનિવર્સિટીમાં રમણભાઈએ મને કહ્યું, “કલાબેન, તમારે યુરોપ જવાનું છે.” આ વાક્ય સાંભળી હું તો સ્તબ્ધ જ થઈ ગઈ. મેં માથેરાન જોયું નથી અને મને યુરોપ જવાની તક મળે એ વાતને હું સ્વપ્ન માનું કે ચમત્કાર માનું ? ના પણ આ એક હકીકત હતી.
મારા કૌટુંબિક સંજોગોને લીધે હું યુરોપના પ્રવાસે જવા ખચકાતી હતી. પણ રમણભાઈના હુકમમાં નર્યો સ્નેહભાવ નીતરતો હતો. મેં ના પાડી ત્યારે તેમણે મને કહ્યું, “કલાબેન દુનિયા જોવા જેવી છે. વિશ્વને જોવાથી વ્યક્તિની દૃષ્ટિ ખૂલી જાય છે. કુટુંબની ચિંતા છોડી દો, બધું બરાબર થશે, તમે મુક્ત મને યુરોપનો પ્રવાસ કરી આવો.”
આમ મારા મધ્યમવર્ગીય સંઘર્ષમય વાતાવરણમાંથી મુક્ત થઈ અન્ય સાત સભ્યો સાથે યુરોપના પ્રવાસ દરમ્યાન રોમ, ફ્રાન્સ, પેરિસ, જીનિવા, સ્વીટર્ઝલેન્ડ, લંડન અને લેસ્ટર વગેરે સ્થળોને નરી આંખે નીરખ્યા. લંડન અને લેસ્ટરમાં વસતા જેનોમાં રમણભાઈ પ્રત્યેના અહોભાવને કારણે અમને મળેલા માન સન્માન આજે પણ સાંભરે છે. યુરોપના પ્રવાસે જનાર અમારામાંથી કોઈને ખબર નથી કે અમારા સ્પોન્સર કોણ હતા. રમણભાઈના વ્યક્તિત્વનું આ એક ખાસ પાસુ હતું.
રમણભાઈના વ્યક્તિત્વમાં એ એમની સાદગી ઊડીને આંખે વળગે તેવી હતી, તેમની વાણી અને વર્તનમાં સરળતા અને સમતાભાવ હતા. તેમનામાં રહેલા આ વિશેષ ગુણોને લીધે તેઓ પ્રાધ્યાપકજગતમાં, વિદ્યાર્થીઓમાં, અભ્યાસીઓમાં અને સામાન્યજનોમાં અત્યંત લોકપ્રિય બની રહ્યા. અંતમાં એટલું જ કહીશ કે રમણભાઈ અમારા સદ્ગુરુ હતા. ઉપાધ્યાય યશોવિજયજી એ એક સજઝાયમાં કહ્યું છે,
“સદગુરુ એવા સેવિયે, જે સંયમગુણ રાતા રે, નિજ સમ જગ જન જાણ, વીર વચનને ધ્યાતા રે....' * * *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org