________________
૨૭૮
સાદગી અને તાજગીનો સમન્વય
7 વસંત નાનજી ભેદા
પૂ. રમણભાઈ શાહ એટલે સાદગી અને તાજગીનો અદ્ભુત સમન્વય. સહજ, સરળ અને નિખાલસ અને જ્ઞાનપિપાસુ અને વળી જ્ઞાનદાતા અને આજીવન વિદ્યાર્થી અને શિક્ષક.
શ્રુત ઉપાસક રમણભાઈ
મારો એમની સાથે છેલ્લાં ૨૫ વર્ષનો સંબંધ હતો. ખાસ કરીને અરિહંત આરાધક મંડળ દ્વારા દર મહિને નીકળતી યાત્રા પ્રવાસમાં, મંડળના યાત્રિકોને ડૉ. રમણભાઈ શાહનો ઘણો જ લાભ મળ્યો હતો. એમના પાસે ધર્મના પાયાના જ્ઞાનથી લઈને વિશેષ ઊંડા આત્મિક જ્ઞાન માટેની સૂઝ અને સમજ મળતી હતી. ધર્મના ફળરૂપે સરળતા અને નિર્દેભતા એ એમના જીવનમાં પરિણમેલી હતી.
જૈન તત્ત્વજ્ઞાનના જ્ઞાનપિપાસુઓ માટે ડૉ. રમણભાઈની હાજરી ઘણી જ સહાયક હતી. બાળજીવોથી માંડીને સાધક આત્માઓ માટે સહુને ઉપયોગમાં આવવાનો અભિગમ અવિસ્મણીય રહેશે. આ કાળમાં સહકાર અને સહાયકભાવનો દુષ્કાળ વરતાય છે, ત્યારે એમને ત્યાં લીલીવાડીની ઠંડક હતી.
છેલ્લાં ઘણા મહિનાથી એમની લથડેલી અને કથળેલી તબિયતમાં એમની સ્વસ્થતા, સભાનતા અને સમતા અનુમોદનીય હતી. બીજાના માટે ઉપયોગમાં કેમ આવવું એ એમની ચિંતા, કથળતા સ્વાસ્થ્યમાં પણ રહેતી, પોતાની અંદર મગ્નતા પાંગરે એ માટે એમને આનંદધન, દેવચંદ્રવિજયજી, યશોવિજયજી મા.સા.ના ભક્તિ-પદોની ચાહના રહેતી. આવા સમર્થ મહા આધ્યાત્માયોગીઓના પદો આત્માની આંતર ઉર્ધ્વ ચેતનાની ગતિને પ્રાણ પૂરનારા બની રહે છે.
ડૉ. રમણભાઈ જોડે સ્વાધ્યાય, વાંચન, સત્સંગ, તીર્થયાત્રા તથા સાહિત્ય સમારોહમાં વગેરેમાં અવારનવાર જવાનું થતું. એમની સાથેની સાનિધ્યમાં એટલું તો અવશ્ય આપણે અનુભવી શકીએ, પૂર્વ જન્મોના સાધકનો આત્મા આ ભરતક્ષેત્રમાં-ભારતની મોહમયી મુંબઈમાં આવી અને આપણા સહુ ઉપર અઢળક ઉપકાર કરીને સહજ નિર્લેપભાવે પોતાના આત્માની શ્રેષ્ઠ સાધના માર્ગે આગળ દેહબંધન માંથી છૂટા થયો અને સહજભાવે મૃત્યુને તેમણે આવકાર્યું હતું.
આપણે સહુ પરમાત્માને ડૉ. રમણભાઈના આત્માની પરમ કેવળજ્ઞાન પરમપદની પ્રાપ્તિ માટે પરમ પ્રાર્થના નિરંતર કરીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org