________________
શુત ઉપાસક ૨મણભાઈ
સરળતા સમાજની પ્રત્યેક વ્યક્તિમાં આવી જાય તો સમાજ એકપણ બાબતમાં પછાત ન રહી શકે. અનેક લેખકોએ વિદેશ-પ્રવાસો કર્યા છે અને એ પ્રવાસના અનુભવોનું આલેખન પણ કર્યું છે. છતાં ડૉ. રમણલાલ ચી. શાહે જે અવલોકન કર્યું તે વિશિષ્ટ છે.
ડૉ. રમણલાલ ચી. શાહનો પ્રત્યક્ષ પરિચય મને જેટલો નથી, એટલો એમનો પુસ્તક-પરિચય છે. એમના ઘણાં લેખો મેં “જન સમાચાર'માં પ્રગટ કર્યા છે. ગુજરાતી ભાષામાં પોતાનાં લખાણો ઉપરના કોપી રાઇટનું વિસર્જન કરનારા અન્ય લેખકો કેટલા? એમના કોઇપણ પુસ્તકમાંથી કોઇપણ લેખ પ્રગટ કરવા માટે એમની અનુમતિ લેવી ન પડે, એવી સગવડ એમણે સૌ કોઇને કરી આપી છે. કોપીરાઇટનું વિસર્જન કરીને એમણે પોતાની સરળ નિર્મોહિતા બતાવી હતી. આ વાત આજે કદાચ સામાન્ય લાગશે, પરંતુ ભવિષ્યમાં તેની મહત્તા સૌને સમજાશે. પોતાની હયાતી પછી, પોતાના વારસદારોને કોપીરાઇટ દ્વારા કેટલી બધી કમાણી થઈ શકે, એ તેઓ જાણતા જ હતા. છતાં સમાજને કશુંક આપી જવાની સહૃદયતાએ એમને આવું ઉમદા કાર્ય કરવા પ્રેર્યા. સંસાર છોડનારા પણ ક્યારેક તો આ કામ નથી કરી શકતા !
ડૉ. રમણલાલ શાહે અનેક વ્યક્તિચિત્રો (ચરિત્રલેખન) પણ કંડાર્યા છે. રાજકારણ, ધર્મ, શિક્ષણ, સાહિત્ય, વિજ્ઞાન, સમાજ વગેરે ક્ષેત્રોની વિભૂતિઓ વિશે લખવામાં ક્યાંય પક્ષપાત ન હોય અને ક્યાંય પૂર્વગ્રહ ન હોય. જેના વિશે આલેખન કરવાનું હોય તેનો સર્વાગી અને સર્વગ્રાહી અભ્યાસ કરીને પછી જ કલમ ચલાવી હોય. આ બધામાં વચ્ચે પોતે ક્યાંય ન દેખાય. પોતાનો વટ પાડવાનું, પોતાનો પ્રભાવ પાડવાનું આ માણસને કદીય ન આવડ્યું. ઘણાં એવોસ મળ્યા, ઘણાં સન્માન મળ્યાં, ઘણી પ્રતિષ્ઠા મળી...છતાં અહંકાર લેશમાત્ર જોવા ન મળે ! નવું કોઈ પુસ્તક પ્રગટ થાય એટલે એની એક નકલ અચૂક યાદ કરીને મોકલી આપે. એમના સૌજન્યની ભીનાશથી પરોક્ષપણે સતત ભીંજાવાનું સદ્ભાગ્ય મળતું રહ્યું. એમની શૈલી નિરંતર એમના શીલને અનુસરતી રહી.
ડો. રમણલાલ ચી. શાહના આત્માને પરમ ધામમાં પરમ શાંતિ મળે એ માટે આપણે કશી પ્રાર્થના કરવી પડે એમ નથી. આવા સરલ અને ઉમદા આત્માને શાંતિ પામવાનો અધિકાર છે. આઘાત અને અફસોસ એટલો જ રહેશે કે આવું પ્રજ્ઞાસભર, નિર્દભ વ્યક્તિત્વ હવે આપણી વચ્ચે રહ્યું નથી.
* * *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org