________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૨ ૩૫
નવરાશ મળતાં તેઓ દશેક કિલોમીટર દૂર, અગાસ ગામ પાસે આવેલ પ્રખ્યાત શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમમાં દર્શનાર્થે જવાની ઈચ્છા દર્શાવતા. એ રીતે હું તેમની સાથે બે વાર આશ્રમમાં ગયો હતો. ત્યાં પણ મેં જોયેલું કે તેઓ શ્રીમદ્ રાજચંદ્રની છબી સામે અને તીર્થકર ભગવાનની મૂર્તિ સમક્ષ ભાવવિભોર બની ભક્તિ-ચિંતન-મનનમાં ઊંડા ઊતરી જતા.
રમણભાઈ પ્રવાસવર્ણનો સાક્ષાત્કારક, સુરેખ અને રસળતાં લખે. જગતના તમામ ખંડો અને દેશોનો તેમણે વિવિધ નિમિત્તે પ્રવાસ કરેલો. તેમનું આવું સરસ– આ લાદક નિરૂપણ “પાસપોર્ટની પાંખે”, “પાસપોર્ટની પાંખે-ઉત્તરાલેખન' અને “પાસપોર્ટની પાંખે-ભાગ-૩માં થયું છે. મને સાહિત્યની જેમ ઈતિહાસ-ભૂગોળમાં પણ ઘણો રસ તે રમણભાઈ જાણે. તેથી તેઓ તેમના લેખોની “ઓફ પ્રિન્ટસ” મોકલી મને વિનંતી કરે: તેમાં કશી ભૌગોલિક વિગતની ક્ષતિ જણાય તો તે સુધારશો અથવા મને તેની જાણ કરશો. હું લખાણમાં તદનુસાર ફેરફાર કરી લઈશ. મેં એવી થોડીક ક્ષતિઓ તેમને દર્શાવેલી. તેમણે તે પ્રમાણે પુસ્તકોની નવી આવૃત્તિમાં સુધારા કરી લીધેલા. પાસપોર્ટની પાંખે ભાગ-૩'ના સમગ્ર લેખોની પૂરી “મેન્યુસ્ક્રિપ્ટ' તેમણે મને મોકલેલી અને જણાવેલું કે તમે તેને તપાસી-ચકાસી જશો, અને જરૂરી લાગે ત્યાં સુધારા કરશો યા ફેરફાર સૂચવશો. મેં તેમની સૂચના અનુસાર કેટલાક સુધારા સૂચવેલા. તેમણે તેનો સ્વીકાર કરેલો. મને તેમની નમ્રતા, ખેલદિલી અને નવું શીખવાની તત્પરતાનો તેમાં અનુભવ થયેલો. તેમણે “પાસપોર્ટની પાંખે–ભાગ ૩' ની પ્રસ્તાવના લખવાનો મને આગ્રહ કરેલો; અને મેં-પ્રસ્તાવના લખવાનો અણગમો છતાં-પ્રસન્નતાપૂર્વક તેની પ્રસ્તાવના લખેલી.
આજે રમણભાઈ નથી ત્યારે તેમના આ બધા સંસ્મરણો ચિત્તમાં ઊભરાય છે. તે આનંદ આપે છે અને અવસાદ પણ પ્રેરે છે કે હવે આ વિભૂતિ સાથે વિચારોની આપ લે કરવાનો, અંતરંગ વાતો કરવાનો અને હરવા-ફરવાનો યોગ જીવનમાં ક્યારેય સાંપડવાનો નથી. આ દુઃખદાયક પ્રતીતિનો આઘાત જીરવવો ઘણો મુશ્કેલ છે. પરંતુ તેનો કોઈ ઉપાય નથી.
* * *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org