________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૨ ૩ ૧
સનિષ્ઠ સ્વાધ્યાયી | | હરિભાઈ કોઠારી
પ્રાધ્યાપક રમણભાઈ શાહ બહુમુખી જીવન પ્રતિભા ધરાવતા હતા. તેઓ આજીવન વિદ્યાવ્યાસંગી હતા. સાહિત્ય, શિક્ષણ તેમ જ ધર્મ તેમના લોહીમાં વહેતા હતા એમ કહીએ તો અતિશયોક્તિ ન ગણાય. વિભિન્ન વિષયો પરનું એમનું તલસ્પર્શી અધ્યયન, ચિંતન અને સંશોધન કાબિલેદાદ હતું.
મારો એમની સાથેનો પ્રથમ પરિચય સન ૧૯૫૭-૫૮ માં થયો. મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં તેઓ પ્રા. મનસુખભાઈ ઝવેરી જોડે ગુજરાતી વિભાગમાં સેવા આપતા હતા. કૉલેજના પ્રથમ વર્ષમાં એમની પાસેથી કિસનસિંહ ચાવડાનું “અમાસના તારા' શીખવા મળ્યું તો દ્વિતીય વર્ષમાં ગોવર્ધનરામ ત્રિપાઠીના “સરસ્વતીચંદ્ર'નો આસ્વાદ માણવા મળ્યો.
વિદ્યાર્થીઓને મળવા તેઓ હંમેશાં ઉત્સુક રહેતા અને કોઈપણ પ્રકારની સમસ્યા કે મુશ્કેલીનો ઉકેલ આપવા હંમેશાં તત્પર રહેતા. એમની પાસેથી સૌ વિદ્યાર્થીઓને યથોચિત પ્રેરણા અને પ્રોત્સાહન મળી રહેતા.
મુંબઈની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં પ્રથમ વખત હું એમનો વિદ્યાર્થી છું' એવું કહેતા તેઓ અતિશય પ્રસન્ન થયા અને મને આગળ વધવાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપી. એમની એ પ્રસન્ન મુખમુદ્રા આજેય ભૂલાય એવી નથી. - વિદેશમાં પર્યુષણ વ્યાખ્યાનમાળા માટે જવાનું થાય ત્યારે હું અચૂક એમને ફોન કરતો અને એમની પાસેથી આવશ્યક માર્ગદર્શન મેળવતો. શ્રી રમણભાઈ અને શ્રીમતી તારાબેન બન્નેનો મારા માટે સાત્ત્વિક અને નિર્મળ ભાવ હતો. મારા વિકાસમાં તેઓ હંમેશાં રાજી થતાં.
છેલ્લા વીસેક વર્ષમાં તો તેઓ યોજનાબદ્ધ રીતે હળવા રહેતા. ધર્મના ગંભીર વિષયને હળવાશથી રજૂ કરવાની શૈલી એમણે લોક કલ્યાણાર્થ અપનાવી લીધી હતી. પર્યુષણ વ્યાખ્યાનમાળાઓમાં વક્તાનો પરિચય અને અંતે વ્યાખ્યાનનું સમાપન કરવાની એમની સંક્ષિપ્તતા સૌ માટે અનુકરણીય બની રહે તેવી હતી.
વ્યક્તિગત વિકાસ, કુટુંબવાત્સલ્ય, સામાજિક જવાબદારી, સંસ્થાગત કાર્યો, ચિંતન, મનન, સંશોધન, શિક્ષણકાર્ય, પ્રવાસ આવી અનેકવિધ પ્રવૃત્તિઓને યથોચિત ન્યાય આપનાર માનવ મૂઠી ઊંચેરો જ ગણાય. આવા સન્નિષ્ઠ માનવને હૃદયના પ્રણામ !
* * *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org