________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૨૦૭
તા.૧-૧૧-૧૯૯૧ના દિવસે અચાનક હાર્ટ ફેઈલથી મારા પતિ પ્રમોદનું અતિ દુઃખદ અવસાન થયું. તે સમયે મારા ત્રણેય સંતાનો સોનાલી- જીગ્નેશ - ચીરાગ કૉલેજમાં ભણતાં હતાં. મારા માથે આભ તૂટી પડ્યું હતું. તેવા કપરી કસોટીના સમયે સ્વ. પ્રમોદની શ્રધ્ધાંજલિ સભામાં શ્રી રમણભાઈએ જાહેરમાં કહ્યું કે બહેન જ્યોતિ, તારે ચૂડી ચાંદલો કાઢવાના નથી. મંગળસૂત્ર પણ પહેરી રાખજે. તારે પ્રમોદભાઈ હતા ત્યારે જેમ રહેતી હતી તેમ જ હવે પછી પણ રહેવું. વ્યવસાયની જવાબદારી માથે આવી છે. તો ત્યાં તારા માટે પ્રમોદભાઈ તારી સાથે જ છે એમ માનજે. રમણભાઈના આ આશ્વાસને મને ઘણી જ હિંમત અને શક્તિ આપ્યા. અને બીજે જ દિવસે મારા માતા-પિતાના આશીર્વાદ લઈને મેં ઓફિસ સંભાળી લીધી. રમણભાઈએ આપેલી પ્રેરણા અને હિંમતના કારણે જ હું સફળતાપૂર્વક બિઝનેસ સંભાળી શકી. તેમાં પણ મને રમણભાઈના જમાઈ ચેતનભાઈનો ઘણો સહકાર મળ્યો છે. પછી તો મારા ત્રણેય સંતાનો પોતાનો અભ્યાસ પૂરો કરીને મારી સાથે ઓફિસમાં જોડાતા ગયા. અને આજે મારા બંને દીકરાઓ ધંધામાં ઘણી જ સારી રીતે સેટ થઈ ગયા છે. મારા ત્રણેય સંતાનોને પરણાવીને તેમને ગૃહસ્થ જીવનમાં સેટ કરવાની જવાબદારી પણ હું પૂરી કરી શકી છું. - અત્યારે ઘર તથા ઓફિસની જવાબદારીમાંથી નિવૃત્ત થઈને ધરમપુરમાં મારા અનંત ઉપકારી પરમપૂજ્ય ગુરુદેવની નિશ્રામાં હું આધ્યાત્મિક માર્ગે સાધનામાં આગળ વધી રહી છું. આમ, મને સગુરુના શરણ સુધી પહોંચાડનારા શ્રી રમણભાઈનો પરમાર્થ ઉપકાર તો મારું ભવોભવનું ભાતુ બની રહેશે.
શ્રી રમણભાઈનો દેહ વિલય થયો તેના ૧ મહિના પહેલાં તા. ૨૦-૯૦૫ના દિવસે હું તેમને મળવા મુલુંડ તેમના નવા ઘરે ગઈ ત્યારે તેમની પાસે સાયલાથી પૂ. નલીનભાઈ- વિક્રમભાઈ, મીનળબહેન, વગેરે બેઠા હતા. બધાની સાથે ખૂબ જ સ્વસ્થતાથી તેઓ વાતો કરી રહ્યા હતા. જો કે શરીરે ઘણી જ અશક્તિ જણાતી હતી. પરંતુ તેમણે કહ્યું કે સડવું – ગળવું – પડવું એ તો શરીરનો ધર્મ છે. માટે શરીરની બહુ ચિંતા ન કરવી. શરીર શરીરનું કામ કરે છે. અને હું મારા આનંદમાં છું. - અમને બધાને તેમણે પોતાનું લખેલું પુસ્તક “વીરપ્રભુના વચનો” પોતાના હાથે સંદેશો લખી લખીને આપ્યું.
આવા જ્ઞાનયોગી, કર્મયોગી, ભક્તિયોગી, વાત્સલ્યમૂર્તિ શ્રી રમણભાઈના પવિત્ર આત્માને હું આત્મભાવે કોટિ-કોટિ વંદન કરું છું. - મુમુક્ષુ, શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધરમપુર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org