________________
૨૦૬
શ્રુત ઉપાસક રમણભાઈ
શ્રદ્ધાપ્રેરક પૂ. રમણભાઈ
|| શ્રીમતી જ્યોતિ પ્રમોદ શાહ ડૉ. રમણભાઈના મારા જીવનમાં ઘણાં ઘણાં ઉપકાર છે. હું “શ્રી મુંબઈ જેન યુવક સંઘમાં શ્રી રમણભાઈ સાથે તથા શ્રી આત્મવલ્લભ મંગલ મંદિર'માં તારાબેન સાથે સામાજિક સેવાના કાર્યોમાં જોડાઈ તે પહેલાં સોફિયા કૉલેજમાં તારાબેન અમારા ગુજરાતી વિષયના પ્રોફેસર હતાં. અને મારા પતિ સ્વ. પ્રમોદ “મહાવીર જૈન વિદ્યાલયમાં શ્રી રમણભાઈ સાથે સંકળાયેલા હતા. આમ અમે બંને જણા લગ્ન પહેલાં જ રમણભાઈ-તારાબેનના પરિચયમાં હતાં. સેવાના કાર્યમાં જોડાયાં પછી મને આ વિદ્વાન દંપતી તરફથી ખૂબ જ સુંદર માર્ગદર્શન મળતું હતું.
મારે “જૈન યુવક સંઘ” તથા “પ્રેમળ જ્યોતિ'ના કાર્ય માટે વારંવાર રેખા બિલ્ડિંગમાં શ્રી રમણભાઈના ઘરે જવાનું થતું. જ્યારે જાઉં ત્યારે રમણભાઈ મને જેમ તેમની પુત્રી શૈલેજાને બોલાવતા હોય એમ અત્યંત પ્રેમાળ - વાત્સલ્યભાવે મીઠો આવકાર આપે. તેમની પાસે બેસવામાં અને તેમની વાતો સાંભળવામાં અનેરો આનંદ મળે. આવા પ્રખર વિદ્વાન છતાં કેટલાં હળવાફૂલ લાગે. તેમના વાણી - વર્તનમાં કયાંય અહંકાર કે મોટાઈનો અંશ માત્ર પણ ન દેખાય. ભાષા પણ ખૂબ સરળ અને છતાં એવી સચોટ હોય કે સાંભળનારને ગળે ઊતરી જાય.
મારામાં સ્થાનકવાસીના સંસ્કાર હોવાથી હું દેરાસર દર્શન કરવા જાઉં પણ પૂજામાં માનતી ન હતી. રમણભાઈએ મને ખૂબ પ્રેમથી પ્રભુપૂજામાં શ્રદ્ધા કરાવી. જિન પ્રતિમાનું ઉત્તમ અવલંબન લેવાથી આપણા ભાવોની ઘણી જ શુદ્ધિ અને વૃદ્ધિ થાય છે - તે એટલું સચોટ રીતે મને સમજાવ્યું - કે જે આજે ધરમપુરમાં અત્યંત પ્રસન્નતાપૂર્વક પૂજા કરતાં હું અનુભવું છું. જો રમણભાઈએ મને પ્રભુપૂજનનો આટલો મહિમા ન બતાવ્યો હોત તો હું પ્રભુના પવિત્ર સ્પર્શનો આનંદ અત્યારે જે અનુભવું છું તેનાથી વંચિત રહી ગઈ હોત. મને જૈન ધર્મના મૂળ સિધ્ધાંતો અને ગૂઢ રહસ્યો સમજાવવામાં અને તેમાં મારી શ્રદ્ધા દ્રઢ કરાવવામાં રમણભાઈનો ઘણો મોટો ફાળો છે - અને તેના કારણે જ આજે મને મનુષ્યજીવનમાં જે મહા-મહા-મહા દુર્લભ ગણાય તે સદ્દગુરુનું શરણ મળ્યું છે. કે જે ગુરુની નિશ્રામાં યથાર્થ સાધના થાય તો ભવભ્રમણ ટળી જાય એવો અપૂર્વ અવસર પ્રાપ્ત થયો છે. તેને માટે તો હું શ્રી રમણભાઈની અત્યંત ઋણી છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org