________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૧૯૧
બીજા દિવસની સવારથી પ્રભુનું સ્મરણ કરી ટાઇપીંગ ચાલુ કર્યું, બપોરે ચાર વાગે ટાઇપ કરતી હતી ત્યારે સ૨ ઘરે આવ્યા. મારૂં આશ્ચર્ય વધી ગયું કે તેમને સમય ક્યાંથી મળ્યો ? તેમણે જણાવ્યુ કે મને એક ખૂબ નવાઈ લાગે તેવો અનુભવ થયો છે, તે જણાવવા આવ્યો છું. મારી ઉત્સુકતા વધી ગઈ.
તેમણે કહ્યું, ગઈ કાલે હું ‘આત્મ વિકાસ’નું પ્રકરણ લઈ ઘરે ગયો. વિચાર્યું કે કાલથી તપાસીશ. પણ જમીને ઉઠ્યા પછી મને એમ થયું કે લાવ ઉપર ઉપરથી તો જોઈ લઉં. આઠ વાગે વાંચવા બેઠો, તારાને કહ્યું કે દશ વાગે એટલે મને કહેજે, હું સૂઈ જઈશ. પણ વાંચવામાં એવી એકાગ્રતા આવી ગઈ કે દશ વાગે તારાએ મને સૂવા સૂચવ્યું તો મેં અગિયાર વાગે કહેવા જણાવ્યું. અગિયાર વાગે તારાએ પૂછ્યું, ‘શાહ, હવે સૂવું છે ને ?' સવારે વહેલા જાગવાનું છે.’ મેં જવાબ આપ્યો કે, ‘તું સૂઈ જા, હું મારી મેળે સૂઈ જઈશ.’ રાત્રે એક વાગે આખું પ્રકરણ તપાસીને પૂરુ કર્યું, અને પછી સૂતો. સાડા ત્રણે એકદમ તાજગી સાથે મારી મેળે ઊઠી ગયો. આટલી ઓછી ઊંઘે આવી તાજગી મેં પહેલી જ વાર અનુભવી છે. તમે એક બેઠકે લખ્યું, મેં એક બેઠકે તપાસ્યું. મેં પૂછ્યું, ‘સર, કેટલા સુધારા વધારા કરવાના છે ?' જવાબ મળ્યો, ‘એક શબ્દનો પણ નહિ.’ મેં પ્રભુનો મનોમન ખૂબ ઉપકાર માન્યો, અને નક્કી કર્યું કે આ થિસિસ મેં મા૨ા જીવનની સુધારણા માટે કરી છે, તેથી આ થિસિસ અને ડીગ્રી પ્રભુને જ અર્પણ છે. આમાં મારું કર્તાપણું ક્યાંય નથી.
આ સમય દરમ્યાન નક્કી થઈ ગયું હતું કે મારા પરીક્ષક એલ.ડી. ઇન્સ્ટીટ્યુટના અધ્યક્ષ દલસુખભાઈ માલવણિયા છે. તેઓ પોતાની ઝીણવટભરી તપાસ માટે ખૂબ જાણીતા હતા.
મેં ઉત્સાહથી થિસિસ સમયસર ટાઈપ કરી, બાઇન્ડ કરાવી ૧૯૬૫ના સપ્ટેમ્બરના અંતભાગમાં યુનિવર્સિટીને સોંપી દીધી. આમ રમણભાઈના હાથ નીચેના વિદ્યાર્થીઓમાં મારી થિસિસ સૌ પ્રથમ અને સૌથી ટૂંકા ગાળામાં અપાઈ હતી. પ્રભુએ મારી ઇચ્છા પૂરી કરી.
થિસિસનું કામ પૂરું થયા પછી સરને મેં ટાઇપરાઇટર બાબત વાત કરી. તેમણે મને કહ્યું, ‘મારે ઉતાવળ નથી. હવે થોડા સમયમાં દિનેશભાઇની થિસિસ તૈયાર થવાની છે, તમે તેને ટાઇપ કરી આપો તો ટાઇપ કરેલા પાના સુધારવાની તેમની મહેનત બચી જાય, અને તમારે કમાણી થાય. તેમની થિસિસના હજા૨
Jain Education International
• For Private & Personal Use Only
www.jainelibrary.org