________________
૧૨૦
શ્રુત ઉપાસક રમણભાઈ આપતા હતા, ત્યારે ઓડિયન્સમાંથી કેવલ્ય દોડતો દોડતો ‘દાદાજી'ના નામની બૂમો પાડતો મંચ પર જઈ તેમના ખોળામાં બેસી ગયો. પપ્પાએ જરા પણ વિચલિત થયા વગર તેને પ્રેમથી પંપાળતા આખું વ્યાખ્યાન પૂરું કર્યું હતું.
પપ્પાને આ ચારેય પૌત્ર-પૌત્રી પ્રત્યે એટલો વાત્સલ્યભાવ કે પ્રવાસમાં હોય ત્યારે પત્ર લખે તો પરબીડિયા પર હંમેશાં બાળકોના નામે સરનામું લખતા કે જેથી તેઓ ખોલીને દાદાજીનો પત્ર પહેલાં વાંચી શકે.
પપ્પા અમારા પરમમિત્ર હતા. તેમની પાસે વિનાસંકોચે, ડર્યા વગર, મોકળા મને, હૃદય ખોલીને વાતો થઈ શકતી. કોઈ પણ મુશ્કેલી કે કોઈ પણ પ્રશ્નને હલ કરવા તેઓ જરૂર મદદ કરતા. અમારી પ્રગતિ જોઈ ખૂબ જ ખુશ થતા અને બિરદાવતા. અમારા સ્વતંત્ર વ્યક્તિત્વનું ઘડતર થાય એ માટે તેઓ ખાસ ધ્યાન રાખતા અને અમારો આગવો મત અને અમારા નવા વિચારોને તેઓ અપનાવતા. ધાર્મિક વૃત્તિવાળા હોવા છતાં તેઓ ક્યારેય રુઢિચુસ્ત નહોતા.
મારા મમ્મી-પપ્પાનું દામ્પત્યજીવન ખૂબ જ સુખી અને પ્રસન્ન હતું. ત્રેપન વર્ષનો તેમનો સહવાસ. બંને કેળવણીના ક્ષેત્રે કામ કરતા હતા અને તેથી બંને એકબીજાના પ્રે૨ક અને પૂરક હતા. બંને વચ્ચે એટલું સારું કોમ્યુનિકેશન કે કલાકો સુધી વાતો કરતા થાકે નહિ. ગુજરાતી સાહિત્યના ક્ષેત્રે, જૈન તત્ત્વચિંતનના ક્ષેત્રે, જૈન વ્યાખ્યાનમાળામાં કે સામાજિક સેવાના ક્ષેત્રમાં હંમેશાં તેઓએ સાથે કામ કર્યું.
પપ્પાના વક્તવ્યોમાંથી મારું સૌથી મનગમતું વક્તવ્ય તે પપ્પા દ્વારા અપાતો મારા મમ્મી તારાબેનનો પરિચય.
વ્યાખ્યાનમાળામાં મમ્મીનો પરિચય આપતા કહેતા કે ‘‘આજે તો આ વક્તાનો સરખો પરિચય આપવો પડશે કારણકે ઘરે જઈને તારાબેનના હાથના રોટલા ખાવાના છે.’’ ક્યારેક રમૂજમાં એમ પણ કહેતા કે, ‘‘લોકોને રાત્રે તારા દેખાય, મને તો ધોળે દિવસે તારા દેખાય છે.’’
પપ્પા જે કંઈ લેખનકાર્ય કરતાં, તે છપાવતાં પહેલા મમ્મી હંમેશા વાંચી જતા, ટીકા-ટિપ્પણ કરતાં અને સુધારા થયા પછી તે છપાવવા જતું. પપ્પા હંમેશાં માનતા કે ઘરની વ્યક્તિ જ સાચી ક્રિટિક (વિવેચક) બની શકે.
પપ્પાની યાદશક્તિ ખૂબ જ સતેજ. વ્યક્તિઓનાં નામ, સ્થળોનાં નામ, પુસ્તકોનાં અવતરણો, શાસ્ત્રોની ગાથાઓ અને સૂત્રો એમને કંઠસ્થ રહેતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org