________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૧૧૫
લઈ હું હૉસ્પિટલ ગઈ. તેમના હાથ પર હાથ મૂકી દોશીકાકા માંગલિક બોલ્યા. સાધુચરિત પુરુષ દોશીકાકાના મુખે માંગલિક અને આશીર્વાદ સાંભળી તેમને અનહદ આનંદ થયો. રવિવારે અમારા કુટુંબનાં સભ્યોને મોટા અવાજે તેમણે નવકાર મંત્ર સંભળાવી ખૂબ આશીર્વાદ આપ્યા. તબિયત સુધરી હતી તેથી બીજે દિવસે સવારે ઘરે જવાની ડૉક્ટરે રજા આપી હતી. રાત્રે પણ એમનું ચિત્ત પ્રસન્ન હતું. પરોઢિયે પોણા ચાર વાગે બ્રાહ્મ મુહૂર્તો તેમણે વિશિષ્ટ દિવ્ય દર્શન કર્યું, દૈવી અનુભવ કર્યો અને સમાધિપૂર્વક દેહ છોડ્યો.
કેવું સાદું, સરળ અને સાર્થક જીવન જીવ્યા ! પ્રસિદ્ધિ કે નામનાની કોઈ ખેવના નહિ. આત્મશ્લાધા નહિ, અભિમાનના કોઈ વચનો કદી બોલે નહિ, કોઇનું અહિત ઇચ્છે નહિ, નિસ્પૃહ અને સંતોષી હતા. સદાય પ્રસન્ન રહેતા અને સહુને પ્રસન્ન રાખવા મથતા. તેમના સંપર્કમાં આવનાર સહુ તેમનાં ચારિત્ર્યની સુવાસથી આકર્ષાતા.
ખાવું-પીવું, વાંચવું, લખવું વગેરે રોજની મારી ક્રિયાઓ રાબેતા મુજબ થાય છે. પરંતુ પળેપળ હું તેમને યાદ કરું છું. સ્વજનોની સ્નેહભરી સંભાળ છતાં હું એકલતા અનુભવું છું. ત્રેપન વર્ષનો અમારો દીર્ઘ સહવાસ, અમને એકબીજાના આધારે જીવવાની ટેવ એટલે હવે ખૂબ અઘરું લાગે. પરંતુ તેમનાં વચનો, લખાણો, કાર્યો મને હિંમત આપે છે. લખાણ રૂપે કેટલો મોટો કીમતી વારસો મારા માટે મૂકતા ગયા છે, જેનું વારંવાર ચિંતન મનન કરું તોપણ જીવન સમૃદ્ધ બને, કંઈક માર્ગ મળે. એ જાણે મને પ્રેરણા આપે છે કે જીવનનો રહ્યોસહ્યો વખત વેડફવાને બદલે જે સાધનો છે તેનો ઉપયોગ કરી આગળ વધવાનું છે.
હું જ્યારે સમગ્રપણે તેમના વ્યક્તિત્વને, વિચારોને, કાર્યને અવલોકું છું ત્યારે મને ખયાલ આવે છે કે કેવી પવિત્ર, પ્રબુદ્ધ, પરમાર્થી, પુરુષાર્થી, સત્શીલ વ્યક્તિ સાથે આટલાં વર્ષો મને જીવવા મળ્યું ! મારું એ પરમ સદ્ભાગ્ય ગણું છું. ઈશ્વરની અપરંપાર કૃપા સમજું છું.
પોતાનાં લખાણોમાં, વક્તવ્યોમાં મુક્તિનો મહિમા તેમણે ગાયો છે, મુક્તિ માર્ગે જનારાને એમણે બિરદાવ્યા છે. એમના હૃદયમાં રહેલી મોક્ષની અભીપ્સાનો મને અણસાર છે. છતાં પણ મારાથી એમને કહેવાઈ જાય છે કે ‘ભવે ભવ તમે જ મારા પતિ હો ! અને સાથે સાથે તેમના માટે પ્રાર્થના કરું છું કે મુક્તિને પંથે તેમની ત્વરિત ગતિ હો !' અદૃશ્યપણે મને એમનો ઘણો મોટો આધાર છે. હું વર્ણવી ન શકું એટલો મોટો આધાર !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org