________________
૧૦૮
શ્રુત ઉપાસક રમણભાઈ
સાધ્વીજીઓને આદરપૂર્વક આમંત્રણ આપતા અને વ્યાખ્યાન ઉપરાંત તેમના મુખેથી માંગલિક સંભળાવવા વિનંતિ કરતા. તે ઉપરાંત પંડિતો અને કેટલાક ખ્યાતનામ વ્યાખ્યાતાઓને તો વારંવાર આમંત્રણ આપતા. સાથે સાથે કેટલાક નવા વ્યાખ્યાતાઓને પણ તક આપતા. બની શકે તે રીતે જૈન ધર્મના વિષયો પર વક્તવ્ય વધુ અપાય તે માટે પ્રયત્નશીલ રહેતા. પહેલા વ્યાખ્યાનને અંતે વ્યાખ્યાનની માર્મિક અને સંક્ષિપ્તમાં આલોચના કરતા. વ્યાખ્યાનનો સાર આવી જાય એવી સુંદર છણાવટ કરતા. કોઇવાર વ્યાખ્યાતાની ક્ષતિને પણ કુનેહપૂર્વક સુધારી લેતા.
પૂ. તત્ત્વાનંદજી મહારાજે અમને બહુ કીમતી સલાહ આપી હતી કે જ્યારે કોઇને કંઇક આપો ત્યારે તેની અપેક્ષા કરતાં કંઈક વધુ આપો. જેથી લેનારને ઘણો આનંદ થાય. રમણભાઇને આ સલાહ ગમી ગઈ. રોજ તેમણે દસ દસ રૂપિયાની નોટ ગડીવાળીને ગરીબોને આપવાનું ચાલુ કર્યું. મોટી વસ્તુ કોઇકવાર અપાય. પરંતુ આવાં નાનાં કાર્યનો અમલ તરત થઈ શકે. મોટા દાનની જાહેરાત કરવાનું તેમને ગમતું નહિ. રૂપિયા બે રૂપિયાની આશા રાખનારને જ્યારે દસ રૂપિયા મળે ત્યારે તેને અપાર આનંદ થાય. દસ રૂપિયા મળતાં જ કેટલાક ગરીબ-ખાસ કરીને રેલવે સ્ટેશન પરના ગરીબ લોકો તરત જ નજીકની રેકડી કે હોટેલ પર ચા પીવા કે ખાવા જાય. ઉત્તર ભારતના એક સ્ટેશન પર એક ફકીરે કહ્યું “આજ તક કીસીને દો રૂપિયા ભી નહિ દીયા. આપને દસ દીયા. આપકા મુખકા દર્શન કરને કો તો દો!' પૈસા આપ્યા પછી તે ઊભા રહેતા નહિ. તેથી ફકીરને મળવા ઊભા રહ્યા નહિ.
એક વાર સારા દેખાતા પણ મૂંઝવણમાં ઊભેલા ભાઇને, રખે ને તેને ખરાબ લાગે એવી ગડમથલ અનુભવીને પણ ૨૦ રૂ. આપ્યા. પેલા ભાઇએ આભાર માની તરત જ લઈ લીધા. અને કહ્યું કે “આજે જ વતનથી આવ્યો છું. પૈસા વપરાઈ ગયા છે. દીકરા પાસે માંગતા સંકોચ થયો. બસ ભાડાના પૈસા પણ મારી પાસે નથી. સારું થયું કે તમે સમયસર મદદ કરી.” આવા પ્રસંગો તો વારંવાર બનતા. રોજ અમારે વસ્ત્ર, અનાજ, પુસ્તક કે પૈસા વગેરે કોઇને કંઈક આપવું જ એવો એમનો આગ્રહ રહેતો. રમણભાઈ મુંબઈ યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયા ત્યારે યુનિવર્સિટીના કર્મચારીઓના ફંડમાં ઘણી મોટી રકમ આપી. આજે પણ કર્મચારીઓ ખૂબ ભાવથી અને પ્રેમથી તેમને યાદ કરે છે.
નોકરોને અને જરૂરિયાતમંદને લગ્ન કે માંદગીમાં, ઘર લેવામાં કે એડમિશન ફી તરીકે છૂટથી મદદ કરે. આખો વખત તેમનું ચિત્ત કયું સારું કામ થઈ શકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org