________________
૧૦૪
શ્રુત ઉપાસક રમણભાઈ
સાધુ મહારાજના શિષ્યોના પત્રો પણ આવતા. તેઓ લખતા કે અમારા ગુરુ વિશેની ઘટના તમારા લખાણમાંથી વાંચી આનંદ થયો. મહાન આચાર્ય પ્રેમસૂરિમહારાજ એક જ ચોલપટ્ટો રાખતા, ફાટે ત્યાં સુધી વાપરે. પણ પહેલેથી બીજાની સગવડ કરે નહિ. એકવાર જ્યારે ફાટી ગયો ત્યારે કેવી અદ્ભુત રીતે બીજો મળ્યો વગેરે હકીકત વાંચીને તેમના શિષ્ય પૂ. ચંદ્રશેખરજી મહારાજનું હૈયું ગદ્ગદ્ થઈ ગયું. ગુરુની આવી મહત્તા માટે અને સંયમ પાલન માટે હર્ષ વ્યક્ત કરતો તેમનો પત્ર આવ્યો.
વર્તમાન સમયના સાધુ મહાત્માઓનું તેમને ખૂબ વાત્સલ્ય મળ્યું છે. જ્યારે તેમનાં દર્શને જાય ત્યારે માથા પર, વાંસા પર હાથ ફેરવી પૂ. વિજયરામચંદ્રસૂરિ મહારાજ આશીર્વાદ આપતા. તેમનાં નવાં લખાણની પૃચ્છા કરતા. નવા ઘરમાં દર્શનાર્થે મૂકવા માટે ભગવાન મહાવીર સ્વામી અને ગૌતમસ્વામીની પ્રતિમા અત્યંત પ્રસન્ન મુખમુદ્રા સાથે આપનાર પૂ. વિજયધર્મસૂરિ મહારાજને કેમ ભૂલાય ? અત્યંત ભાવભર્યા સ્વરે અને આશીર્વાદ આપતા હોય તેવી મુદ્રામાં ‘આવો રમણભાઈ’ કહી પૂ. વિજયચંદ્રોદયસૂરિ મહારાજ અને અશોકચંદ્રસૂરિ મહારાજ તેમને આવકારતા અને તેમના જૈન ધર્મના લેખોને બિરદાવતા. પૂ. વિજય યશોદેવસૂરિ મહારાજ લંબાણથી મંત્ર ભણતા ભણતા તેમના મસ્તક ૫૨ હાથ ફેરવી વાસક્ષેપ નાંખતા, તેમને પોતાના ધર્મમિત્ર ગણાવતા, તેમની તબિયત માટે પણ ચિંતા વ્યક્ત કરતા. જોરથી પીઠ થાબડી વાસક્ષેપ નાંખનાર જંબૂ વિજયજી મહારાજના મુખ પરનો આનંદ જોવો એ અમારા જીવનનો અનુપમ લહાવો હતો. તેમની સાથે પણ શાસ્ત્રોની અને શબ્દોની ગહન ચર્ચા થતી. ઇડરમાં પૂ. જનકસૂરિ મહારાજ પાસે જ્યારે જઇએ ત્યારે ધ્યાનનો મહિમા સમજાવે, રમણભાઇના અંતિમ દિવસોમાં આરાધનાનો અને સમાધિમરણનો મહિમા સમજાવતો અને આશીર્વાદ આપતો પત્ર તેમણે મોકલ્યો હતો. આચાર્ય પ્રદ્યુમ્નવિજયજી મહારાજ અને આચાર્ય શીલચંદ્રસૂરિ મહારાજ જેમની પાસે અમે ધર્મગ્રંથોની વાચના માટે જતા. તેમની સાથે નવા કયા વિષય પર લખી શકાયતેની શક્યતાઓ વિચારતા. તેઓ બન્ને સાથેનું મિલન અમારા માટે ખૂબ પ્રેરક બન્યું.
અહીં લખ્યા છે તેટલાં જ નામો નહિ, નામાવલિ ઘણી લાંબી છે. લખાણના લંબાણ ભયે અહીંથી જ અટકું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org