________________
૧૦૦
ક્ષત ઉપાસક રમણભાઈ
ખાસ કરીને તેની માતા અમિનાબેનને આ પુસ્તકો વંચાવ્યાં. રમણભાઇના સ્વર્ગવાસની ખબર વર્તમાન પત્રમાં વાંચતા તેને ખૂબ દુઃખ થયું અને તેણે પોતાનો શોક વ્યક્ત કરતો અને રમણભાઇને ભાવભરી અંજલિ અર્પતો પત્ર લખ્યો.
અત્યંત ગહન અને ગંભીર વિષય પર લખનાર અને શિસ્ત-પાલનના આગ્રહી રમણભાઈ બાળકો સાથે પણ મુક્તમને રમી શકે. જાત જાતના જાદુની, પત્તાની, દોરીની, પથ્થરની રમતો બાળકોને શીખવે. બાળમાનસને બરાબર પારખે.
દસ વર્ષ પહેલાં અમારા નવ વર્ષના દોહિત્ર કેવલ્યના જન્મદિનની પાર્ટીમાં અમે બન્ને અમારા ચાર વર્ષના પૌત્ર અર્ચિતને લઇને અમારી દીકરી શૈલજાને ત્યાં ગયાં. જુદી જુદી રમતો રમવા નવ વર્ષના કેવલ્યના મિત્રો જોડીમાં ગોઠવાઈ ગયા. અર્ચિત એકલો પડી ગયો. રમણભાઈ તેની મૂંઝવણ સમજી ગયા. ઊભા થઈ તેની પાસે જઈ તેના જોડીદાર બની ગયા. અર્ચિત ખૂબ ખુશ થયો. રમત ઠીક ઠીક સમય સુધી ચાલી જાતજાતની રમત-દોડવાની, ખો દેવાની, ગાવાની, ડાન્સ કરવાની, સ્ટે થવાની વગેરે રમતોમાં ચાર વર્ષનો પૌત્ર અને ૬૭ વર્ષના દાદાજી ઉત્સાહથી રમ્યા. ત્યાં બેઠેલા બધાંને જોવાની બહુ મજા પડી. અમારે સહુને મન આંખનો ઉત્સવ બની રહ્યો. અચિંતના આનંદનો તો કોઈ પાર નહિ. બાળક ગમે તેટલું નાનું હોય તોપણ રમણભાઈ તેને સાચવી શકે. અમેરિકામાં બહુ જ નાના-ધાવણા અર્ચિતને પોતાના ખોળામાં સુવાડી સામાયિક કરે, નાની ગાર્ગીને, હીંચકે બેસી ખોળામાં સુવાડી ભક્તામર ગાય. બાળકોને ગીતો ગાઈ નવરાવે, ખવરાવે, સૂવરાવે. પૂજા કરવા લઈ જાય. આ બધી ક્રિયાઓએ તેમના જીવનને ઉત્સાહ અને આનંદથી ભરી દીધું હતું. બાળકો તેમની પાસે ન હોય ત્યારે તેમનું સ્મરણ કરીને આનંદને વાગોળે.
તેમનામાં રમૂજવૃત્તિ ભારોભાર હતી. તેમની રમૂજમાં ક્યાંય દ્વેષ કે ડંખ ન હોય, માત્ર નિર્દોષ આનંદ હોય. ૧૯૮૫માં પૂનામાં ભરાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદના ૩૩મા અધિવેશનમાં તેના પ્રમુખ પૂ. કે. કા. શાસ્ત્રીનો પરિચય તેમણે એટલો રમૂજી રીતે આપ્યો કે પૂ. કે. કા. શાસ્ત્રી વિશે તેમણે કરેલાં દરેક વિધાનને તાળીઓના ગડગડાટ સાથે આખી પરિષદે માણ્યો. મીઠી રમૂજ દ્વારા શાસ્ત્રીજીના જીવનના વિવિધ ઉત્તમ પાસાને તેમણે ઉચિત રીતે બિરદાવ્યા. એ પરિચય સાંભળીને ત્યાં હાજર રહેલા શ્રી ઉમાશંકરભાઇએ રમણભાઇને કહ્યું કે આજે તમારી સર્જનશક્તિનું દર્શન સહુને થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org