________________
શ્રત ઉપાસક ૨મણાભાઈ
त्वमेव भर्ता न च विप्रयोग:
|| તારાબેન રમણલાલ શાહ
સંસ્કૃતના સમર્થ કવિ કાલિદાસના “રઘુવંશ'માં આલેખાયેલું છે કે સંપૂર્ણપણે નિર્દોષ અને સગર્ભા સીતાને રામની આજ્ઞાથી લક્ષ્મણે જંગલમાં ત્યજી દીધાં. એ દારુણ દુઃખના સમયે પણ સીતાએ રામ માટે આ શબ્દો ઉચ્ચાર્યા :
भूयो यथा मे जन्मान्तरेषु त्वमेव भर्ता न च विप्रयोग: “જન્મજન્માન્તરમાં તમે જ મારા પતિ હો, આપણો કદીયે વિયોગ ન થાવ.” રામ પ્રત્યે સીતાનું કેટલું ઉદાર વલણ ! ત્યારે મને અઢળક સ્નેહ, સુખ અને શાંતિ આપનાર મારા પતિ ડૉ. રમણભાઇને આ શબ્દો હું કહી ન શકું ? બાહ્ય દૃષ્ટિએ એ સત્ય હકીકત છે કે ખરેખર વિયોગ છે. છતાં અદૃશ્યપણે તેમના તરફથી હામ, હૂંફ અને અનન્ય આધારનો અનુભવ મને થઈ રહ્યો છે. - ત્રેપન વર્ષનું અમારું લગ્નજીવન-લીલીછમ હરિયાળી સમું હર્યુંભર્યું, કોઈ ગૂંચ કે ગ્રંથિ વિનાનું, સમથળ પ્રવાહ વહેતું હતું. વિદ્યાર્થીપ્રિય અધ્યાપક તરીકે, એન.સી.સી.ના ઑફિસર તરીકે, સમાજસેવક તરીકે, લેખક તરીકે, ભક્ત તરીકે, સાધક તરીકે કે બાળકોથી વીંટળાયેલા દાદાજી તરીકે, મને તેમનાં દરેક સ્વરૂપ ગમ્યાં છે. સૂઝપૂર્વક અને ત્વરાથી કામ કરવાની તેમની શક્તિ, આર્ત રૌદ્ર ધ્યાન કર્યા વિના અને સર્વના કલ્યાણને લક્ષમાં રાખીને ગૂંચ ઉકેલવાની તેમની શક્તિને હું ભક્તિભાવથી બિરદાવતી રહી છું.
ગુજરાતી સાહિત્યના લબ્ધપ્રતિષ્ઠ મહાન લેખક કનૈયાલાલ મુનશીની નવલકથા “ગુજરાતનો નાથ'નું અત્યંત જાણીતું અને માનીતું સ્ત્રીપાત્ર મંજરી–તેણે શસ્ત્ર અને શાસ્ત્ર બન્નેમાં નિપુણ પતિને ઇચ્છયો. શસ્ત્રમાં નિપુણ એવા વિશિષ્ટ પાત્ર કાકે શાસ્ત્રનો અભ્યાસ કર્યો પછી જ મંજરીએ તેની સાથે લગ્ન કર્યા. ત્યારે હું તો ભાગ્યશાળી છું કે મને શસ્ત્ર અને શાસ્ત્ર બન્નેમાં નિપુણ એવા પતિ મળ્યા. અધ્યાપનકાળની શરૂઆતમાં એન.સી.સી.ની ટ્રેઈનિંગમાં રમણભાઈ પિસ્તોલ, સ્ટેનગન, મશીનગન, રાયફલ, બે ઈંચમોર્ટાર વગેરે શસ્ત્રો ચલાવતા શીખ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org