________________
શુત ઉપાસક રમણભાઈ
૫૭.
બાને તપશ્ચર્યામાં સારી શ્રદ્ધા હતી. એકાસણું, આયંબિલ, ઉપવાસ એમનાં ચાલતાં હોય. આયંબિલની ઓળી તેઓ કરતાં. પર્યુષણના દિવસોમાં એમણે એક વખત અઠ્ઠાઈ કરેલી. પર્યુષણના આઠ દિવસમાંથી પહેલા ચાર અને છેલ્લા ત્રણ એમ સાત ઉપવાસ ઘણીવાર કર્યા હતા. એક વખત બાને ઉપધાન કરવાની ભાવના થઈ હતી. લાલબાગ (માધવબાગ) ઉપાશ્રયે નામ પણ તેઓ નોંધાવી આવ્યાં હતાં. એ માટે જરૂરી ઉપકરણો પણ લઈ આવ્યાં હતાં. ત્યાં બે દિવસ અગાઉ કોઈક બહેન ઘરે મળવા આવ્યાં. વાત નીકળતાં તેમણે કહ્યું, “રેવાબહેન, તમારાથી ઉપધાન ન થાય. તમને ક્યાં બધી વિધિ આવડે છે!' આથી બા નાસીપાસ થયાં અને ઉપધાનમાં જોડાયાં નહિ. થોડા દિવસ પછી દેરાસરમાં કોઈક અનુભવી બહેન મળ્યાં. બાએ ઉપધાનમાં ન જોડાવાનું કારણ કહ્યું. એમણે કહ્યું, “બધી વિધિ બધાંને ન આવડે, પણ એટલે ઉપધાન ન છોડાય. ન આવડે તો સાધુ મહારાજ બધી વિધિ કરાવે, તમે ભૂલ કરી.” આ સાંભળી બા બહુ નિરાશ થયાં. ઉપધાનની એક વખત તક ચૂક્યાં, તે પછીથી ફરીથી ક્યારેય ઉપધાન કરવાની અનુકૂળતા મળી નહિ. પણ દીકરી ઇંદિરાને ઉપધાન કરાવીને આનંદ અનુભવ્યો.
આઠ છોકરાં ઉછેરનાર બાની પાસે બાળકના મનને જીતવાની વાત્સલ્યભરી કળા હતી. એ દિવસોમાં ટેલિફોન કોઇકને ત્યાં જ હતા. એટલે અમે અમારાં બંને નાનાં સંતાનોને-શૈલજા તથા અમિતાભને લઇને અઠવાડિયામાં એકબે વાર બાને મળવા જતાં. બંને સંતાનોને શિખંડ બિલકુલ ભાવતો નહિ. બાને થયું કે નાનાં છોકરાંઓને શિખંડ બહુ જ ભાવે. ન ભાવે તે બરાબર ન કહેવાય. એક વાર અમે બાને ઘરે ગયાં તો બાએ શિખંડ બનાવ્યો હતો. બાએ પૂછ્યું તો બંનેએ શિખંડની ના પાડી. બાએ કહ્યું, “આજે તમારા પપ્પાની વરસગાંઠ છે અને તમે શિખંડ ન ખાવ તે મને ગમતું નથી.” પછી બાએ વહાલથી કહ્યું, “એક એક નાની ચમચી જેટલો આપું છું. જરાક જીભે અડાડી લેજો.” પછી બાએ બંનેને સાવ નાની ચમચી જેટલો શિખંડ આપ્યો. બંનેને ભાવ્યો. એટલે બાએ એક બીજી ચમચી ભરીને આપ્યો અને પાસે બંને માટે વાડકી ભરીને મૂકી. બંને બધો શિખંડ ખાઈ ગયાં અને વધુ શિખંડ માગ્યો અને ધરાઇને ખાધો. ત્યારથી બંને બાળકોએ “શિખંડવાળાં બા” એવું બાનું નામ પાડ્યું અને એમને માટે એ કાયમનું થઈ ગયું. પછી જ્યારે બાને ઘરે જવાનું હોય ત્યારે શિખંડ બનાવવાનું તેઓ અચૂક કહેવડાવતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org