________________
દુગ્ધામૃત
દૂધ (દુગ્ધ) અમૃત છે, પણ અધૂરી સમજણ અને પોતાની માન્યતાના અભિનિવેશનને કારણે કેટલાક એને લોહી અને માંસ તરીકે ઓળખાવે છે ત્યારે વિવાદનો વંટોળ ઊભો થાય છે. ભારતીય સાંસ્કૃતિક પરંપરાનાં હજારો વર્ષમાં આવો વિવાદ ક્યારેય થયો નથી, પરંતુ પાશ્ચાત્ય સંસ્કૃતિના સંપર્ક પછી કોઈ કોઈ વાર આવો વિવાદ સર્જાયા કરે છે. જેઓ આવો વિવાદ ઊભો કરે છે તેઓએ પૂર્વગ્રહરહિત થઈને, પોતાની માન્યતાને થોડી વાર બાજુ પર મૂકીને, સત્યાન્વેષણની દૃષ્ટિથી, શાન્તચિત્તે, તટસ્થતાપૂર્વક વિચા૨ ક૨વો જરૂરી છે.
જૂના વખતમાં ધર્મપરિવર્તન કરાવવાની સાથે લોકોને માંસાહારી બનાવવાના પ્રયાસો પણ થતા. ધર્મપ્રચારકો શાકાહારી લોકોને કહેતા કે દૂધ પ્રાણીના શરીરમાંથી નીકળતું હોવાથી તે માંસ બરાબર જ છે. એટલે તમે જો દૂધ ખાતા હો તો માંસ ખાવામાં તમને વાંધો ન હોવો જોઈએ. ગરીબ ભોળા લોકો આવી દલીલથી ભરમાતા અને તેઓ માંસાહારી બની જતા. અલબત્ત, હવે એવા પ્રકારના ધર્મપરિવર્તનનું અને આહારાદિના પરિવર્તનનું પ્રચારાત્મક કાર્ય ઘટ્યું છે. તો પણ એવા મિથ્યા પ્રચારથી સાવધ રહેવા જેવું છે.
પાશ્ચાત્ય દેશોમાં જેઓ ચુસ્ત શાકાહારી અથવા વનસ્પત્યાહારી છે એવા કેટલાક લોકો દૂધ કે દૂધમાંથી બનેલાં દહીં, માખણ, પનીર વગેરે (All Dairy Products) લેતા નથી. તેઓ વેગન (Vegan) તરીકે
દુગ્ધામૃત * ૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org