SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ અમે જેમ જેમ આગળ જતા ગયા તેમ તેમ બંને બાજુ વધુ ઊંચી ભેખડો આવતી ગઈ. આગળ જતાં તો તે ભેખડો પાંચસોથી હજાર ફૂટ ઊંચી હતી. વળાંકોને લીધે તો કોઈક સ્થળે જાણે કોઈ ઊંડા અંધારા કૂવામાં આપણે ઊતર્યા હોઈએ તેવું લાગે. સીધી ઊંચે નજર કરીએ તો આકાશનો નાનકડો ટુકડો દેખાય. લગભગ દોઢેક કલાકે અમે ધોધ પાસે પહોંચ્યાં. અહીં અમને હોડીમાંથી ઊતરી જવાનું કહેવાયું. સેંકડો પ્રવાસી ત્યાં એકત્ર થયા. એ બધાંને લાવનાર હોડીઓ ત્યાં જમા થઈ હતી. થોડી થોડી વારે કેટલીક હોડીઓ આવતી અને કેટલીક વિદાય લેતી. પાસાન-હામનો ધોધ લગભગ બસો ફૂટ ઊંચેથી જોરથી પડતો હતો. ધોધની નીચે તળાવ જેવી રચના થઈ ગઈ હતી. એમાં મોટો તરાપો ફેરવવામાં આવતો. જે પ્રવાસીઓને બરાબર ધોધની નીચે જવું હોય તેઓને આ તરાપામાં બેસાડીને લઈ જવામાં આવતા. તેના જુદા પૈસા આપવાના નહોતા. ખાલી જૂનાં પીપ અને મોટરનાં હવાભરેલાં જૂનાં ટાયરો વડે બનાવેલો આ ગામઠી તરાપો હતો. એકસાથે દસેક પ્રવાસીને તેમાં બેસાડવામાં આવતા. તળાવમાં બરાબર વચ્ચેથી પસાર થાય એવી રીતે જાડું મજબૂત દોરડું ઊંચે બાંધવામાં આવ્યું હતું તે પકડીને અને વાંસડાના હડસેલાથી તરાપાવાળા ઠેઠ ધોધ નીચે તરાપો પહોંચાડતા. ધોધના પાણીની બરાબર બાજુમાંથી અમારો તરાપો પસાર થયો. પાણીના શીકોમાં ભીંજાવાની અમને મજા પડી, પરંતુ ક્ષણવારમાં અમારી મજા નીકળી ગઈ. ધોધમાર પડતાં ધોધનાં પાણી પવનના જોરને કારણે આઘાંપાછાં પડતાં હતાં. અમારો તરાપો ધોધની વધુ નજીક આવ્યો ત્યારે અમારા ઉપર ઠંડું પાણી એટલા વેગથી સતત પડતું રહ્યું કે અમને તે ધડાધડ વાગવા માંડ્યું. શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી. ગૂંગળામણ થવા લાગી. બધાંના શ્વાસ અધ્ધર થઈ ગયા. પાણી એટલું સતત પડતું હતું કે શ્વાસ લેવા માટે ઘડીએ ઘડીએ મોઢું ખોલવું પડતું. અમારા તરાપામાં આવેલી એક અમેરિકન યુવતીએ તો ગભરાઈને ચીસો પાડવા માંડી. પણ ધોધના પાણીના અવાજમાં એ ચીસો પણ દબાઈ ગઈ. આ એક સાહસિક અને જોખમી અનુભવ હતો. અમને થયું કે કાચાપોચા માણસનું અહીં કામ નહિ. અલબત્ત, તરાપાવાળા ઘણા ચાલાક અને કુનેહવાળા હતા. તે દર પંદર મિનિટે ધોધ પાસેથી ચક્કર મારતા. આ તેમનો રોજનો વ્યવસાય હતો, એટલે તેમને તો બીક હોય જ શી ? ૪૮ * પ્રવાસ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy