________________
લેખનપ્રવૃત્તિ દુનિયામાં ચાલતી હોય ત્યારે સજ્જતા અને અધિકાર વિનાના અસંખ્ય લેખકો ફાવે તેમ લખવા લાગે એ સ્વાભાવિક છે. દૈનિક છાપાંઓમાં કેટલાંયે ચર્ચાપત્રો જ્યારે વાંચીએ છીએ ત્યારે જાણકાર માણસોને આશ્ચર્ય થાય છે કે અહો કેટલા બધા માણસોનું કેટલી બધી બાબતોમાં રોજેરોજ જાહેરમાં કેટલું બધું અજ્ઞાન પ્રદર્શિત થાય છે. ચર્ચાપત્ર લખનારાઓનાં અજ્ઞાનની ચકાસણી કરવા જેટલી સજ્જતા કેટલીક વાર એના તંત્રીવિભાગમાં પણ હોતી નથી. પરિણામે અજ્ઞાનના નાનામોટા વંટોળ દૈનિક અને સામયિકોનાં ચર્ચાપત્રો દ્વારા વારંવાર ઊઠ્યા કરતાં હોય છે.
જેમ ચર્ચાપત્રો અને લેખોમાં કેટલાય લેખકોની પોતાના વિષયની અભ્યાસશૂન્યતાનાં દર્શન થાય છે તેમ વિભિન્ન વિષયોના લલિત કે લલિતેતર એવા કેટલાક ગ્રંથો તે તે લેખકના અજ્ઞાનની કે અપૂર્ણ સજ્જતાની ચાડી ખાતા હોય છે. વર્તમાન સમયમાં લેખનના ક્ષેત્રે આ એક મોટી સમસ્યા છે. લેખકોની અનધિકાર ચેષ્ટા ઉત્તરોત્તર વધતી જાય છે.
સાહિત્યના ક્ષેત્રે લેખકના વાણીસ્વાતંત્ર્યની હિમાયત વર્તમાન જગતમાં ઘણી થાય છે. એક લેખકને પોતાને જે કહેવું હોય તે કહેવાને માટે તે સ્વતંત્ર હોવો જોઈએ. તેને કોઈ બંધન ન હોવાં જોઈએ. આ સિદ્ધાંતનો અસ્વીકાર થઈ શકે નહિ. થવા દેવો પણ ન જોઈએ. લોકશાહીના ઉદય પછી વિશ્વના લેખકો પોતાની આ સ્વતંત્રતા માટે વધુ સભાન બન્યા છે એ સાચું છે. આમ છતાં લેખકને પક્ષે માત્ર સ્વતંત્રતાનો જ વિચાર કરવો એ પર્યાપ્ત નથી. લેખક પોતાની કૃતિ સમાજમાં મૂકે છે તેની સાથે જ એ કૃતિ એની અંગત માલિકીની ન રહેતાં સમાજની માલિકીની બને છે. એટલે સામાજિક પરિમાણો એને મોડાંવહેલાં સ્વીકારવાં જ પડે છે.
વળી લેખક સમાજનો અને રાષ્ટ્રનો એક વધુ જવાબદાર નાગરિક હોવાથી તેની પાસેથી કેટલીક જવાબદારીની અને સજ્જતાની અપેક્ષા રાખી શકાય છે. લેખક થયો એટલે માત્ર વાણીસ્વાતંત્ર્ય જ ભોગવે એટલું બસ નથી. એને પોતાને પોતાની જવાબદારીનું પણ ભાન હોવું જોઈએ. એની સ્વતંત્રતા સ્વચ્છંદતામાં ન પરિણમવી જોઈએ. એની સર્જક-કલ્પના સમાજ, રાષ્ટ્ર કે ધર્મ ઉપરના બેજવાબદાર, ગંદા દ્વેષભર્યા શબ્દપ્રહારોમાં ન પરિણમવી જોઈએ. જેમ લેખક વધુ પ્રસિદ્ધ અને એની ભાષાનું ક્ષેત્ર જેમ વધુ વિશાળ તેમ એના શબ્દના સારામાઠા પ્રત્યાઘાતોને વધુ અવકાશ રહે છે. એટલે જ પ્રતિભાસંપન્ન સમર્થ લેખકોની પોતાના શબ્દ માટેની વિશેષ જવાબદારી રહે છે. ખોટો કે ખરાબ આશયથી બોલાયેલો તેમનો એક શબ્દ પણ ઘણા માઠા પ્રત્યાઘાતો જન્માવી શકે છે.
Jain Education International
૩૫૪ * સાહિત્યદર્શન
For Private & Personal Use Only
www.jainelibrary.org