________________
જે પાત્રના મુખમાં જે શબ્દો મુકાયા હોય તે તેને અનુરૂપ હોવા જોઈએ. જેમ જીવનમાં દરેક માણસના વિચાર, વ્યક્તિત્વ અને વાતચીતની લઢણ એકબીજાથી ભિન્ન ભિન્ન હોય છે તેમ વાર્તામાં પણ પાત્ર વચ્ચેના સંવાદમાં દરેકનું વ્યક્તિત્વ જુદું ઊપસી આવવું જોઈએ. જો એમ થાય તો જ સંવાદો પાત્રોને જીવંત બનાવવામાં પોતાનો ફાળો આપી શકે. સંવાદમાં પાત્રના વર્ગની દૃષ્ટિએ ઔચિત્ય જળવાવું જોઈએ. વાઘરી, મોચી, હૈયો, નોકર, કવિ, સાક્ષર, ગામડિયો, કૉલેજિયન, ખેડૂત, બાળક વગેરે એક જ પ્રકા૨ની એકસરખી ભાષા ન જ બોલી શકે એ દેખીતું છે. તેમજ એ દરેકની વિચારભૂમિકા એકસરખી હોય એવું પણ ન બને. એટલે સંવાદો પાત્રને અનુરૂપ હોવા જોઈએ.
સંવાદની ભાષામાં બદલાતા જતા સંજોગો અને બદલાતી લાગણી પ્રમાણે ફેરફારો થયા કરે, ક્રોધ, આવેશ, હર્ષ, નિર્વેદ, તિરસ્કાર, ભય વગેરે જુદી જુદી લાગણીના પ્રસંગે એક પાત્ર એકસરખી ભાષા વ્યક્ત ન જ કરે એ સ્વાભાવિક છે. પરંતુ ગમે તે પરિસ્થિતિમાં એ પાત્ર પોતાનું વ્યક્તિત્વ તો કદી પણ ગુમાવી ન બેસે. સંવાદમાં પાત્રના વ્યક્તિત્વની સંગતતા (Consistency) તો સતત જળવાઈ રહેવી જોઈએ. વાર્તામાં ગમે તે પ્રસંગે પાત્ર પોતાની વાણી અને વિચારની વિશિષ્ટતાથી જ ઓળખાઈ આવવું જોઈએ. એટલે વાર્તામાં સંવાદો વ્યક્તિ તેમ જ પ્રસંગને અનુરૂપ હોવા જોઈએ. શ્રેષ્ઠ સંવાદો એ કે જે વાર્તામાં આવતાં પ્રસંગ અને પાત્ર સાથે ગાઢ સંબંધ ધરાવતા હોય, એટલું જ નહિ પણ પ્રસંગ માટે અનિવાર્ય પણ હોય. The ideal dialogue is not closely relevant, but even indispensable to the situation.
જેમ જીવનમાં એક માણસને આપણે બોલતો સાંભળીએ નહિ ત્યાં સુધી એના વિશે વધુ ખ્યાલ બાંધી શકાતો નથી, તેવી જ રીતે વાર્તામાં એક પાત્રને આપણે બોલતું સાંભળીએ નહિ ત્યાં સુધી એના વિશે આપણે વધુ ખ્યાલ મેળવી શકતા નથી. આથી સંવાદ વાર્તામાં પાત્રને સમજવામાં અને પાત્રાલેખનને વિકસાવવામાં મદદરૂપ નીવડે છે. સંવાદની મદદથી થોડા શબ્દોમાં વાર્તાકાર સુરેખ પાત્ર આલેખી શકે છે.
સંવાદો ફક્ત પાત્રના વિચાર અને લાગણીને જ વ્યક્ત કરતા નથી; એનું કર્તવ્ય એથીયે વધારે છે, વાર્તાના કાર્યને વેગ આપવામાં, બનાવોને બહાર લાવવામાં, વાતાવરણ કે પૂર્વભૂમિકા તૈયા૨ ક૨વામાં પણ સંવાદ ઉપયોગી થઈ શકે છે, ભૂતકાળના બનાવો તેમજ અન્યત્ર બનતા પ્રસંગોનો નિર્દેશ પણ સંવાદ દ્વારા કરી શકાય, જોકે સંવાદના તત્ત્વ વિના પણ શ્રેષ્ઠ વાર્તાઓ લખી શકાય છે, લખાઈ પણ છે.
૩૪૦ સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org