________________
લોકજાગૃતિ માટે ગાંધીજીએ સુરત જિલ્લામાં એક ગામમાં એક શિબિર યોજેલી. ત્યારે કિશોરી ઉષાબહેન ગાંધીજીને મળવા ગયેલાં. સત્યાગ્રહમાં એમને ભાગ લેવો હતો. પરંતુ ગાંધીજી એમની સાથે બોલ્યા નહિ, કારણ કે મૌનવાર હતો. પણ હાથના ઇશારાથી ગાંધીજીએ ના પાડી, કારણ કે ઉષાબહેને ખાદી પહેરેલી નહિ. પછી બીજે દિવસે ખાદીનાં વસ્ત્રો ધારણ કરીને ઉષાબહેન ગયાં ત્યારે ગાંધીજીએ એમની સાથે સરસ વાત કરી હતી. સત્યાગ્રહમાં જોડાવું હોય તો ગાંધીજીએ શરત મૂકી કે આજીવન બ્રહ્મચર્ય પાળવું પડશે; અપરિણીત રહેવું પડશે. ઉષાબહેને એ શરત કબૂલ કરેલી. આ છોકરીઓ બહુ નાની છે – એમને એવું આકરું વ્રત ન અપાય, એમ ગાંધીજીને કહેવામાં આવ્યું ત્યારે ગાંધીજીએ તેવું વ્રત ન આપતાં લગ્ન કરવાની છૂટ આપેલી, પણ એ શરતે કે પતિ ખાદી પહેરતો હોય અને લગ્નમાં કોઈ દાયજો લે નહિ. પરંતુ ઉષાબહેન તો પોતે લીધેલા બ્રહ્મચર્યના વ્રતમાં જ અડગ રહ્યાં. તેઓ આજીવન અપરિણીત રહ્યાં. ગાંધીજીની ભાવનાને તેમણે શોભાવી. ગાંધીજીની દેશભક્તિ અને ધર્મભાવના સાથે તેઓ ઓતપ્રોત બની રહ્યાં.
ઉષાબહેનની શૈક્ષણિક કારકિર્દી અત્યંત તેજસ્વી હતી. એમના પિતા ન્યાયાધીશ હતા અને એમની બદલી થતી, એટલે ઉષાબહેને પ્રાથમિક અને માધ્યમિક શાળાનું શિક્ષણ ખેડા, ભરુચ, મુંબઈ વગેરે સ્થળે લીધું હતું. કોલેજનું શિક્ષણ એમણે મુંબઈની વિલરાન કૉલેજમાં લીધું હતું. તેમણે બી.એ.માં તત્ત્વજ્ઞાનનો વિષય લીધો હતો અને ૧૯૩૯માં મુંબઈ યુનિવર્સિટીમાં પ્રથમ નંબરે પાસ થયાં હતાં. ત્યાર પછી એમણે કાયદાશાસ્ત્રનો અભ્યાસ કર્યો અને ૧૯૪૧માં તેઓ એલએલ.બી. થયાં. એમના પિતા ન્યાયાધીશ હતા એટલે એમનાં સંતાનોને કાયદાશાસ્ત્રમાં રસ પડે એ સ્વાભાવિક છે.
ઉષાબહેન ભરૂચની શાળામાં અભ્યાસ કરતાં હતાં ત્યારે કોંગ્રેસમાં સ્વયંસેવિકા તરીકે પણ જોડાયાં હતાં. છોટા સરદાર તરીકે જાણીતા ભરૂચના શ્રી ચંદુલાલ દેસાઈની આગેવાની હેઠળ પ્રભાતફેરી, ઝંડાવંદન, સરઘસ, સત્યાગ્રહ વગેરે જે પ્રવૃત્તિઓ ચાલતી તેમાં બાલિકા તરીકે ઉષાબહેન પણ સક્રિય ભાગ લેતાં હતાં. એમણે પોતાનાં સંસ્મરણોમાં નોંધ્યું છે કે પોલીસનો લાઠીમાર થાય તોપણ ધ્વજને નીચે પડવા ન દેવાય. ઝંડા ઊંચા રહે હમારા” અથવા “ચલાવ લાઠી, ચલાવ ઈંડા, ઝૂક ન સકેરા હમારા ઝંડા જેવા પોકારો કરતાં કરતાં તેઓ દરેક પોતાના ઝંડા સાથે આગળ વધતાં. એક વખત એક છોકરી બેહોશ બનીને પડી ગઈ અને હાથમાંનો ઝંડો નીચે પડી ગયો. એમાં તો ઝંડાનું અપમાન અને પોલીસનો વિજય થયો કહેવાય. એમ ન થવા દેવું હોય તો હવે શું કરવું?
પદ્મવિભૂષણ ડૉ. ઉષાબહેન મહેતા કા ૨૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org