________________
સંસ્થાનું પેટ્રોલ બચે છે. જ્યાં સુધી મારાથી બસમાં જવાય છે ત્યાં સુધી બસમાં જાઉં છું. અમારી સંસ્થા શક્ય એટલી કરકસરથી અમે ચલાવીએ છીએ.'
કાકા ટ્રેનના પ્રવાસમાં સાદા બીજા વર્ગમાં બેસે છે. તેઓ કહે, ‘રિઝર્વેશન’ના પૈસા બચે એટલે સંસ્થાના પૈસા બચે. સાદા બીજા વર્ગમાં બેસવાની જગ્યા મળી જાય. ન મળે તો વચ્ચે નીચે બેસી જાઉં છું. મને બેઠાં બેઠાં સારી ઊંઘ આવી જાય છે. ક્યારેય ખીસું કપાયું નથી. મારો દેખાવ જોઈને જ કોઈ ખીસું કાપવા ન લલચાય. જવા-આવવાની ટિકિટ હોય પછી વધારે પૈસા રાખતો નથી. કેટલાંયે શહેરોમાં સ્ટેશનથી રિક્ષા કે ટૅક્સી, અનિવાર્ય ન હોય તો કરતો નથી. સ્ટેશનથી ચાલી નાખું છું.'
ગુજરાતમાં અનેક ગામોમાં નેત્રયજ્ઞ કરવાને કારણે બસ કે ટ્રેનમાં કાકાને ઓળખના૨ કોઈક ને કોઈક તો નીકળે જ અને જગ્યા આપવા તૈયાર હોય જ. વળી કાકા કહે કે ‘આ રીતે પ્રવાસ કરવાથી જનતાની વચ્ચે આપણને રહેવાનું મળે. આપણામાં મોટાઈ આવી ન જાય.’
પૂજ્ય દોશીકાકાનું નામ તો મુ. મફતકાકા અને અન્ય કેટલાક દ્વારા સાંભળ્યું હતું. પણ એમને મળવાનો સંયોગ પ્રાપ્ત થયો નહોતો. ૧૯૮૪ દરમિયાન એક દિવસ અમારા વડીલ, અમારા રેખા બિલ્ડિંગમાં રહેતા ભૂદાન કાર્યકર્તા શ્રી કીર્તનભાઈ ધારિયાનો ફોન આવ્યો કે, દોશીકાકા અત્યારે અમારે ઘરે આવ્યા છે. તમને અનુકૂળતા હોય તો અમે મળવા આવીએ.'
મેં કહ્યું, જરૂર આવો, ઘરમાં જ છું.’
શ્રી કીર્તનભાઈ અને દોશીકાકા પધાર્યાં. કીર્તનભાઈએ એમની ક્ષયનિવારણ અને ચિખોદરાની આંખની હૉસ્પિટલનો પરિચય આપ્યો.
વાતવાતમાં કાકાએ કહ્યું, ‘કોઈ વાર સમય કાઢીને અમારી આંખની હૉસ્પિટલ જોવા આવો.'
મેં કહ્યું, ‘હમણાં હું કપડવંજ પાસે ઉત્કંઠેશ્વર આવવાનો છું. પરંતુ ત્યાંથી ચિખોદરા આવવાનો સમય નહિ રહે, કારણ કે ત્યાંથી પાંચ વાગે બસમાં નીકળી અમદાવાદથી ટ્રેન પકડવાનો છું.’ કાકાએ કહ્યું, તમને અનુકૂળ હોય તો તમે ભોજન કરી લો પછી સાડા બારે ઉત્કંઠેશ્વર તમારે માટે જીપ મોકલું. ત્યાંથી અઢી કલાકમાં ચિખોદરા આવી જાવ. પછી ચિખોદરા હૉસ્પિટલ જોઈ અને જમીને છ વાગે નીકળો તો અમારી જીપ તમને નવ વાગે અમદાવાદ સ્ટેશને પહોંચાડે. તમારી ટ્રેન રાતના દસ વાગ્યાની છે. તમને શ્રમ ન લાગતો હોય તો આ રીતે ગોઠવો.’
૧૭૨ ચરિત્રદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org