________________
યુનિવર્સિટીમાં તમારે એ કેવી રીતે કરવું તેનો રસ્તો તમે શોધી કાઢો.”
હંસાબહેને એવો સરસ ઉપાય શોધી કાઢ્યો કે ચંદ્રવદન જીવનના અંત સુધી સયાજીરાવ યુનિવર્સિટીના થઈને રહ્યા. હંસાબહેને ચંદ્રવદનને વિઝિટિંગ પ્રોફેસર તરીકે નિમણૂક આપી. યુનિવર્સિટીની હોસ્ટેલમાં મનુભાઈ મહેતા હોલમાં (આ મનુભાઈ મહેતા હૉલ તે હંસાબહેન મહેતાના પિતાશ્રીની યાદમાં હોસ્ટેલને અપાયેલું નામ) ઉપરના માળે એક સ્વતંત્ર, અલાયદો ખંડ આપવામાં આવ્યો અને યુનિવર્સિટીમાં એવી રીતનો ઠરાવ થયો કે ચંદ્રવદન મહેતા જીવે ત્યાં સુધી એ રૂમમાં રહી શકે. વળી એમના અધ્યાપનકાર્ય માટે પણ સમયનું કોઈ બંધન રાખવામાં આવ્યું નહિ. જ્યારે ઇચ્છા થાય ત્યારે અગાઉથી જાણ કરીને વર્ગ લઈ શકે. પીએચ.ડી.ના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી શકે. બહારગામ કે વિદેશ જવા માટે તેમને કોઈ રજા-અરજી કરવાની રહે નહિ, કારણ કે વિઝિટિંગ પ્રોફેસર તરીકેની એમને નિમણૂક આપવામાં આવી હતી. આમ હંસાબહેને જે રસ્તો કાઢ્યો એથી ચંદ્રવદનને પોતાને, સયાજીરાવ યુનિવર્સિટીને અને ગુજરાતી સાહિત્યને ઘણો લાભ થયો.
આ બાજુ ડૉ. જીવરાજ મહેતા ગાંધીજીના અંગત તબીબ બન્યા હતા. એમણે ગાંધીજીની વર્ષો સુધી સેવા કરી હતી. જીવનની ઉત્તરાવસ્થામાં ડો. જીવરાજ મહેતા તબીબી વ્યવસાય કરતાં સક્રિય રાજકારણમાં વધુ રસ લેવા લાગ્યા હતા. ૧૯૬૦માં જ્યારે ગુજરાતના સ્વતંત્ર રાજ્યનું નિર્માણ થયું ત્યારે એના પ્રથમ મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતા થયા હતા. એમણે એ પદ ઉપર રહી પોતાની વહીવટી કુશળતાથી ગુજરાત રાજ્યની ઘણી સારી સેવા કરી હતી. ૧૯૮૭માં એમનું અવસાન થયું તે પછી હંસાબહેન મુંબઈમાં આવીને પોતાનાં સંતાનો સાથે રહ્યાં ત્યારે એંસીની ઉંમરે પહોંચેલાં હંસાબહેન જાહેર જીવન અને જાહેર સંપર્ક સમેટી લઈ એકાંતપ્રિય બની વાચન-મનનમાં પોતાનો સમય પસાર કરવા લાગ્યાં. પછીથી તો તબિયતની પ્રતિકૂળતા પણ રહેવા લાગી.
હંસાબહેનના જીવનમાં અંતિમ વર્ષો શાંતિમાં પસાર થયાં હતાં. શક્તિ અનુસાર પ્રાપ્ત થતા જાહેર જીવનનો જેમ આનંદ છે તેમ જાહેર જીવનમાંથી સદંતર નિવૃત્ત થઈ શાંત, એકાંતપ્રિય જીવન જીવવાનો પણ એક વિશેષ પ્રકારનો આનંદ હોય છે. હંસાબહેને ઉભય પ્રકારના આનંદનો સંતર્પક અનુભવ કર્યો હતો.
ભારતનાં આ સુવિખ્યાત સન્નારીના જીવનમાંથી ઘણાંને પ્રેરણા મળી રહે એમ છે.
('વંદનીય હૃદયસ્પર્શ'માંથી)
૧૭)
ચરિત્રદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org