________________
દિવસ બચુભાઈ કવિઓને આપતા. સાંજના સાતથી અગિયાર સુધી નવી નવી કવિતાનું વાચન થાય અને પછી એના ઉપર ચર્ચા ચાલે. વખત જતાં આ કાવ્યગોષ્ઠીની બેઠકનું નામ જ “બુધસભા' પડી ગયું. પૂરી નિયમિતતાથી બચુભાઈ હંમેશાં બેઠા હોય. શિયાળાની કડકડતી ઠંડી હોય અને કોઈ જ કવિ આવ્યા ન હોય ત્યારે પણ બચુભાઈ સગડી સળગાવીને ત્યાં એકલા બેઠા હોય અને વખત થાય એટલે ઘરે જાય.
- ૧૯૫૫માં હું એક વર્ષ માટે અમદાવાદમાં રહ્યો હતો ત્યારે હું બુધસભામાં નિયમિત જતો. કોઈ વાર મારી પાસે સાઈકલ ન હોય તો બચુભાઈ કહે, “ચાલો, આપણે ચાલતાં ચાલતાં ઘરે જઈશું.” હું તેમને આગ્રહપૂર્વક વિનંતી કરું, “તમે તો વડીલ છો અને હજુ તમારે ઘરે જઈને જમવાનું બાકી છે. તમે જલદી સાઈકલ ઉપર ઘરે પહોંચો.” પરંતુ કોઈ પણ વખત મને એકલો મૂકીને બચુભાઈ ઘરે વહેલા પહોંચ્યા નથી. બચુભાઈનાં ધર્મપત્ની એમની રાહ જોતાં રાત્રે ઘરમાં એકલાં જાગતાં બેઠાં હોય. છોકરાંઓ ક્યારનાં ઊંઘી ગયાં હોય. બચુભાઈ ઘરે પહોંચીને જમી લે તે પછી જ એમનાં પત્ની જમવા બેસે. બચુભાઈ એમને “બાઈ' કહીને બોલાવતા. બાઈની પતિપરાયણતા આર્ય નારીને ગૌરવ અપાવે એવી હતી.
લગભગ સિત્તેરની ઉંમર સુધી બચુભાઈ સાઈકલ ઉપર કાર્યાલયમાં જતા. પછી બસમાં અથવા ક્યારેક રિક્ષામાં જવાનું ચાલુ કર્યું. રાયપુરથી રાત્રે છેલ્લી બસ પકડવાની હોય એટલે બુધસભાનો કાર્યક્રમ ત્યાં સુધી ચાલતો. કોઈ વાર બસ ચૂકી જાય તો ઘરે ચાલતા પહોંચે, જો સાથે કવિમિત્રો હોય તો. નહિ તો રિક્ષામાં જતા. ભરઉનાળાના ધખતા તાપમાં પણ તેઓ નિષ્ઠાપૂર્વક કાર્યાલયથી ઘરે કે ઘરેથી કાર્યાલય જતા. ‘કુમાર' માટે એમની તપશ્ચર્યા ઘણી આકરી હતી.
બચુભાઈના નિકટ સંપર્કમાં આવવાની મને વધુ તક મળી જ્યારે તેઓ મુંબઈની લેજિસ્લેટિવ કાઉન્સિલના સભ્ય તરીકે નિયુક્ત થયા અને વખતોવખત મુંબઈ આવતા ત્યારે. કોઈક વખત મારે ઘરે પણ ઊતરતા. અમદાવાદ પાછા ફરતા હોય ત્યારે બોમ્બે સેન્ટ્રલના સ્ટેશન ઉપર ગાડી ઊપડતાં પહેલાં એક કલાક અચૂક મળવાનું ગોઠવાતું. લેખન માટે પ્રેરણા અને માર્ગદર્શન મને એમની પાસેથી સતત મળતાં. અમારા કુટુંબ માટે તેઓ વત્સલ વડીલ હતા. એમના પ્રત્યેક પોસ્ટકાર્ડમાં કુટુંબના બધા સભ્યોની પ્રવૃત્તિ-પ્રગતિ માટે પૃચ્છા રહેતી.
બચુભાઈને જ્યોતિષમાં શ્રદ્ધા ઘણી હતી. પરંતુ એને કારણે થોડો વખત એમને વેઠવું પણ પડેલું. કોઈ સારા જોષીએ એમની કુંડળી જોઈને કેટલીક આગાહી કરેલી. એમાંની ઘણી સાચી પડી હતી એટલે એ જોષીના ભવિષ્યકથન ઉપર એમને વિશ્વાસ
૧૬૦ ચરિત્રદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org